અમદાવાદ : ગુજરાત એસટી નિગમ દ્વારા પ્રયાગરાજ ખાતે તાજેતરમાં પૂર્ણ થયેલા મહાકુંભ મેળામાં લોકોને પહોંચાડવા માટે અમદાવાદ સહિત રાજ્યના મુખ્ય શહેરોમાંથી દરરોજ બસ સર્વિસનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું. ત્યારે હવે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશનના ટૂર પેકેજની જેમ ગુજરાત એસટી નિગમ દ્વારા હવે રાજ્યના તીર્થસ્થળો માટે બસ સર્વિસ શરૂ કરે તેવી માગણી શરૂ થઈ હતી. લોકોની માગણીને પગલે ગુજરાત એસટી નિગમ પણ હવે સકારાત્મક વલણ દાખવતા ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ રૂટ પર ટૂર સર્કિટ બનાવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત એસટી નિગમ હવે ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી રાજ્યના ધાર્મિક સ્થળો માટે ટૂર સર્કિટ શરૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. નિગમ આગામી દિવસોમાં રાજ્યના અલગ અલગ ઝોનમાં ટૂર સર્કિટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક રાત તેમજ બે દિવસના ટૂર પેકેજ માટે આગામી દિવસોમાં રૂટ નક્કી થયા બાદ ભાડુ નક્કી કરવામાં આવશે. જેમાં તમામ રૂટ પર કુલ કિલોમીટર દીઠ ભાડુ, હોટલ કે ધર્મશાળા ચાર્જ સહિત અન્ય ચાર્જ નક્કી કરી ટૂર પેકેજની કિમત નક્કી કરાશે. જો કે આ ટૂર પેકેજ 2 હજાર રૂપિયાથી લઈ 5 હજાર રૂપિયા સુધીના હોય તેવી શક્યતા છે. તેની સાથે જ આ ટૂર દર સપ્તાહના અંતે એટલે કે શનિવાર રવિવારના રોજ સંચાલિત કરાય તેવી શક્યતા છે. જેથી વિકેન્ડમાં રજાના દિવસે લોકો પરિવાર સાથે આ રૂટ પર યાત્રાનો લાભ લઈ શકશે.
આ ટૂર દર સપ્તાહના અંતે, એટલે કે શનિવાર અને રવિવારે સંચાલિત થવાની શક્યતા છે, જેથી લોકો તેમના પરિવાર સાથે સહેલાઈથી યાત્રાનો આનંદ માણી શકે. સંભવિત ટૂરિસ્ટ સર્કિટમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ, દ્વારકા, ગીર અને હરસિદ્ધિ માતા મંદિર, દક્ષિણ ગુજરાતમાં સાપુતારા, ઉનાઈ, તીથલ અને સેલવાસ, કચ્છમાં માતાનો મઢ, નારાયણ સરોવર અને કોટેશ્વર, અને ઉત્તર ગુજરાતમાં મહુડી, વડનગર, ઊંઝા, અંબાજી અને બહુચરાજીનો સમાવેશ થાય છે.