અમદાવાદ : શહેરના નવા વાડજ અને રાણીપમાં રહેતા સિનિયર સિટીઝનને પ્રસાદ લેવાના બહાને કે અન્ય મોડ્સ ઓપરેન્ડીથી રોકડ પડાવતી મહિલાને વાડજ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમા પોલીસને જાણવા મળ્યું હતું કે તેણે અત્યાર રાણીપ અને વાડજમાં ત્રણ ગુના આચર્યા હતા. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નવા વાડજમાં આકાશદીપ એપાર્ટમેન્ટમાં રહેતા 60 વર્ષીય દુધાભાઇ સોંલકી થોડા દિવસ પહેલા તેમના પૌત્રને સ્કૂલેથી લઇને નાણાં ઉપાડવા માટે બેંકમાં ગયા હતા અને ત્યાંથી એક લાખની રોકડ લઇને ચાલતા ચાલતા ઘરે જતા હતા ત્યારે મામલતદાર કચેરી પાસે સ્કૂટર પર એક મહિલા આવી હતી. તેણે કહ્યું હતું કે તે દુધાભાઇના પુત્રની પત્નીને ઓળખે છે અને હાલ તેેને અરજન્ટમાં છ હજાર રૂપિયાની જરૂર છે. જે થોડીવારમાં ઘરે આપી જશે. જેથી દુધાભાઇએ વિશ્વાસ કરીને એક લાખમાંથી છ હજાર રૂપિયા આપી દીધા હતા. છ હજાર લીધા બાદ તેને વધારે નાણાાંની જરૂર હોવાનું કહીને એક લાખ રૂપિયા લઇ લીધા હતા. જે થોડીવારમાં ઘરે આપી જવાનું કહીને દુધાભાઇ અને તેમના પૌત્રને સ્કૂટર પર ઘરે ઉતારવાના બહાને બેસાડીને ગોપી સ્ટોર પાસે ઉતારીને નાસી ગઇ હતી.
બીજા કિસ્સામાં મહિલાએ રાણીપમાં રાધાસ્વામી રોડ પર આવેલા કલ્યાણ કુંજ સોસાયટીમાં રહેતા 65 વર્ષના કોકીલાબેન પટેલને પણ પોતાની મીઠી મીઠી વાતોમાં ફસાવી દીધા હતા. સાતમી જાન્યુઆરીના રોજ બપોરે કોકીલાબેન મામાજીના દીકરાના ઘરે ગયા હતા. આ દરમિયાન રાધાસ્વામી રોડ પર સર્વેશ્વર મંદિર પાસે અજાણી મહિલા વાહન લઈને આવી હતી. તેણે ભગવાનની પ્રસાદી લાવવા માટે રૂપિયાની માંગણી કરી હતી. જેથી કોકીલાબેને એક હજાર આપ્યા હતા. યુવતીએ વધુ નાણાં માગતા કોકીલાબેન તેને ઘરે લઈ ગયા હતા. જ્યાં મહિલા ઘરમાં ઘૂસીને 25 હજાર લઈને રફૂચક્કર થઈ ગઈ હતી.
આ અંગેની ફરિયાદ નોંધાતા વાડજ પોલીસ સ્ટેશનના પીઆઇ સી જી જોષીએ તપાસ શરૂ કરી હતી. મૂળ સાબરકાંઠાની જીનલ ભાવસાર(જીવરાજનગર સોસાયટી, શાહીબાગ) ને ઝડપી પાડી છે. આ અંગે વાડજ પોલીસે જણાવ્યું કે, આરોપીએ રાણીપ અને વાડજમાં ત્રણ ગુના આચર્યા છે. તે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે પરંતુ ચાર-પાંચ માસ પહેલા ઘાટલોડિયાના યુવક સાથે લગ્ન કર્યા હતા. જેના ખર્ચને પહોંચી વળવા માટે તેણે સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરી રૂપિયા પડાવતી હતી.તેણે અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કર્યાની આશંકાને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.