અમદાવાદ : અમદાવાદ શહેરમાં 24 કલાકમાં બીજી વાર વસ્ત્રાલ વિસ્તારમાં જાહેરમાં મારામારીના દૃશ્યો સામે આવ્યા છે. બીજી ઘટનામાં વસ્ત્રાલ વિસ્તારની માધવ સ્કૂલ પાસે જાહેરમાં યુવકોએ મારામારી કરી હતી. લાકડી અને દંડા વડે યુવકોની મારામારીના દૃશ્યો CCTV માં કેદ થયા હતા. જો કે, સમગ્ર મામલે રામોલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગઈકાલે રાત્રે વસ્ત્રાલ વિસ્તારમાં શાશ્વત સોસાયટી નજીકના વિસ્તારમાં લાકડી-દંડા અને તલવાર જેવા તીક્ષ્ણ હથિયારો વડે તોફાની તત્વોએ આતંક મચાવતા અસામાજિક તત્વો દ્વારા જાહેરમાં ખુલ્લેઆમ મારામારી અને વાહનોમાં તોડફોડ બાદ રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 24 કલાકમાં અસામાજિક તત્વો દ્વારા મારામારીની બીજી ઘટના સામે આવી છે. જેમાં બે પક્ષો વચ્ચે આમને સામને બોલાચાલી બાદ ઝઘડો થયો હતો. મળતી માહિતી પ્રમાણે અકસ્માતને લઈને માથાકૂટ થઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે યુવકો છરી લઈને આવ્યા હતા. જો કે, સમગ્ર મામલે રામોલ પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.
જોકે ગઈકાલે વસ્ત્રાલમાં બનેલી ઘટનામાં અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવાને મામલે રામોલ પોલીસે પકડેલા 14 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા હતા. જેમાં પોલીસે આરોપીઓની પૂછપરછ કરવા 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. આ મામલે મેટ્રો કોર્ટે તમામ આરોપીઓના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.