ગાંધીનગર: ગુજરાત સરકારે શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકાર દ્વારા RTE ACTમાં આવક મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે.15 એપ્રિલ સુધી RTE પ્રવેશ માટે અરજી કરી શકાશે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના અધિકાર અધિનિયમ (RTE ACT-2009) હેઠળ બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25 % બેઠકોમાં ધોરણ-1 માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે પ્રવેશ આપવાની યોજના અમલમાં છે. જેમાં નબળા અને વંચિત જૂથના બાળકો માટે બિનઅનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધો.1માં વિનામૂલ્યે પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા તા.16મી માર્ચ સુધી શરૂ છે.
અગાઉ RTE પ્રવેશ માટે આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં રૂ.1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂ.1.50 લાખ સુધી મર્યાદિત હતી. પરંતુ રાજ્ય સરકારે ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ. 6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના વાલીઓ માટે આવક મર્યાદા વધારીને રૂ.6 લાખ કરવાનો નિર્ણય કર્યો છે. RTE પ્રવેશ પ્રક્રિયા 2025 માટે આવક સ્લેબમાં સુધારો થતા નબળા અને વંચિત જૂથના બાળકો અને વાલીઓને મોટી રાહત થઈ છે.
ત્રણ દિવસ પહેલા જ શિક્ષણમંત્રી પ્રફૂલ પાનસેરિયાએ આ બાબતે સંકેત આપ્યો હતો. પાનસેરિયાએ ત્રણ દિવસ પહેલા સુરતમાં કહ્યું હતું કે, RTEમાં આવકની વિસંગતતા હતી. અન્ય બધી બાબતમાં 6 લાખની આવક મર્યાદા આપી રહ્યા છીએ. આવકના સુધારા માટે થોડો સમય આપીએ જેથી વધારાની આવકવાળા પણ તેનો લાભ લઈ શકે.


