અમદાવાદ : અમદાવાદના રામોલ વિસ્તારમાં રહેતી અને એરપોર્ટ પર ફરજ બજાવતી એક યુવતીની એરપોર્ટ નજીક આવેલી તંદુર હોટલમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી છે. યુવતીની હત્યા નિપજાવાઈ હોવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. રહસ્ય પરથી પડદો ઉંચકવા પોલીસે હાલ અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના એરપોર્ટ પર ફરજ બજાવતી નસરીન અન્સારી નામની એક મહિલાનો મૃતદેહ હોટલ તંદુરમાંથી મળી આવ્યો હતો. મામલાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી. 22 વર્ષીય યુવતી સાથે હોટલમાં એક યુવક પણ હતો. મહિલાને ગળે ફાંસો આપીને હત્યા કરી હોવાનુ સામે આવ્યું છે. પોલીસ દ્વારા હત્યાની પાછળનું કારણ જાણવા તપાસ તેજ કરવામાં આવી છે તેમજ હત્યારાને શોધવા માટે પણ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.
પોલીસની ટીમે FSLની મદદ લઇ ક્રાઇમ સીનથી પુરાવા એકત્ર કરવા શરૂ કર્યા છે. અત્યાર સુધી હત્યાનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, પરંતુ હોટલના CCTV ફૂટેજ અને અન્ય સાક્ષીઓના નિવેદનના આધારે તપાસ પ્રગતિ પર છે.જો કે, પોલીસે હાલ હોટલના રૂમમાં યુવતી સાથે ગયેલા યુવકની શોધખોળ હાથ ધરી છે.