અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરશન (AMC) દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી આગામી સત્રથી બાલવાટિકાથી લઈ ધો.10 સુધી ફ્રી શિક્ષણ આપવામાં આવશે. AMCના આ નિર્ણયથી આર્થિક રીતે નબળા વાલીઓને મોટી રાહત મળશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ મ્યુનિસિપલ શાળાઓમાં ધોરણ 10 સુધી મફતમાં અભ્યાસ કરી શકશે. હાલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સ્કૂલ બોર્ડ હેઠળ ધોરણ 1 થી 8 સુધીની 400 થી વધુ શાળાઓ ચાલી રહી છે. જોકે, નજીકના ભવિષ્યમાં, સ્કૂલ બોર્ડે ધોરણ 9 અને 10 માટે વર્ગો શરૂ કરવાની યોજના બનાવી છે, જેથી બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ મફતમાં આપી શકાય. હાલમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓ ફક્ત 8 ધોરણ સુધી જ શિક્ષણ આપતી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની 400 શાળાઓમાં લગભગ 1.70 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરે છે, પરંતુ ધોરણ 8 પછી, બાળકોને ભારે ફી ચૂકવીને ખાનગી શાળાઓમાં અથવા નજીવી ફી ચૂકવીને સહાયિત શાળાઓમાં અભ્યાસ કરવો પડતો હતો. પરંતુ હવે સ્કૂલ બોર્ડ આગામી શૈક્ષણિક વર્ષથી માધ્યમિક વર્ગો શરૂ કરવા જઈ રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓને અભ્યાસ માટે ફી ચૂકવવી પડશે નહીં અને પુસ્તકોથી લઈને ગણવેશ સુધીની સુવિધાઓ મફતમાં ઉપલબ્ધ થશે. આ અંગે સ્કૂલ બોર્ડના ચેરમેન સુજય મહેતાએ જણાવ્યું હતું કે હાલમાં આ સાત ઝોનમાં આ શાળાઓ શરૂ કરવામાં આવશે અને ત્યારબાદ બોર્ડની સૂચનાઓ અને વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને તેનો વિસ્તાર કરવામાં આવશે.


