Home અમદાવાદ નવા વાડજમાં જિલ્લા મોજણી સદનમાં 7500ની લાંચ લેતા બે લોકો ACBના હાથે ઝડપાયા

નવા વાડજમાં જિલ્લા મોજણી સદનમાં 7500ની લાંચ લેતા બે લોકો ACBના હાથે ઝડપાયા

0
નવા વાડજમાં જિલ્લા મોજણી સદનમાં 7500ની લાંચ લેતા બે લોકો ACBના હાથે ઝડપાયા

અમદાવાદ : અમદાવાદ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ નવા વાડજમાં ભીમજીપુરા વિસ્તારમાં જિલ્લા મોજણી સદનમાં સફળ ટ્રેપ ઓપરેશન પાર પાડીને મેન્ટેનન્સ સર્વેયર વશરામભાઈ સોનાભાઈ ચૌધરી અને એક ખાનગી વ્યક્તિ બ્રિજેન્દ્ર બ્રિજબિહારી શુક્લાને રૂ. 7,500ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવા વાડજમાં ભીમજીપુરા પાસે આવેલ જિલ્લા મોજણી સદનમાં અનેક લોકો પોતાના નાના-મોટા કામ માટે આવતા હોય છે ત્યારે એક વ્યક્તિ પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી પડાવવા માટે આવ્યો હતો તે સમયે ત્યાં હાજર વશરામભાઈ સોનાભાઈ ચૌધરી ઉ.વ.29, મેન્ટેનન્સ સર્વેયર દ્વારા પહેલા એન્ટ્રી પાડી દેવામાં આવી. ત્યારબાદ એન્ટ્રી પડાવનાર વ્યક્તિને બોલાવવામાં આવ્યા અને એની પાસે એક એન્ટ્રીના 3000 માગણી કરી હતી. જોકે, રકઝક બાદ 2500માં એક એમ ત્રણ એન્ટ્રી માટે 7500 રૂપિયા નક્કી કર્યા હતા.આમ કુલ ત્રણ અરજી માટે 7500ની લાંચની માંગણી કરવામાં આવી હતી. લાંચ આપવા ઈચ્છતા ન હોવાથી ફરિયાદીએ અમદાવાદ શહેર ACBનો સંપર્ક કર્યો અને ફરિયાદ નોંધાવી. ફરિયાદના આધારે ACB દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આયોજન મુજબ, ફરિયાદીએ આરોપી વશરામભાઈ સાથે વાતચીત કરી અને આરોપીએ રૂ. 7500ની લાંચની રકમ સ્વીકારીને આરોપી નંબર (2) બ્રિજેન્દ્ર શુક્લાને આપી દીધી. બ્રિજેન્દ્ર શુક્લાએ તે રકમ પોતાની ઓફિસના ટેબલની ફાઈલમાં મૂકી દીધી હતી. ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને આરોપીઓને ઘટના સ્થળેથી જ ઝડપી પાડ્યા હતા. પ્રાથમિક તપાસમાં બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરીને ગુનો કર્યો હોવાનું જણાયું છે.

આ સફળ ટ્રેપ ઓપરેશન પો.ઇન્સ. વી.ડી.ચૌધરી, અમદાવાદ શહેર ACB અમદાવાદના નેતૃત્વ હેઠળ પાર પાડવામાં આવ્યું હતું. સમગ્ર કામગીરીનું સુપરવિઝન મદદનિશ નિયામક કે.બી.ચુડાસમા, ACB અમદાવાદ એકમ, અમદાવાદ દ્વારા કરવામાં આવ્યું હતું. ACB દ્વારા બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here