અમદાવાદ : શહેરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જાહેર રોડ-રસ્તાઓ પર કચરો ફેંકનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.અમદાવાદમાં જાહેર રોડ પર ગંદકી કરનારા, પાનના ગલ્લા, ચાની કિટલીઓ પર પ્રતિબંધિત પેપરકપ તેમજ પ્લાસ્ટિક વાપરનારા દુકાનદારો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ શહેરમાં કુલ 40 દુકાનોને સીલ કરવામાં આવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવ-ઈન રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ ટાવરમાં ઉત્તર પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધર્યું હતું. તે દરમિયાન જાહેર રોડ ઉપર ગંદકી કરવા બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ બદલ 40 જેટલી વિવિધ દુકાનોને સીલ મારી દીધી છે. શહેરના નવરંગપુરા, નારણપુરા, ચાંદખેડા, રાણીપ અને પાલડી સહિતના વિસ્તારોમાં દુકાનોને સીલ મારી દેતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જાહેર રોડ પર ગંદકી કરવા બદલ અને પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે 895 જેટલા એકમને ચેક કરવામાં આવ્યા હતા. 886 એકમને નોટિસ અપાઈ છે. 5 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકને જપ્ત કરવામાં આવ્યું છે. કુલ 4.05 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો છે.
શહેરના વિવિધ વિસ્તારોમાં બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં આજે ગુરૂવાર સવારથી જ વિવિધ વિસ્તારોમાં બાકી પ્રોપર્ટી ટેક્સ ધારકો સામે સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. પશ્ચિમ ઝોનમાં 1970 જેટલી મિલકતોને સીલ મારવામાં આવી છે. 1.71 કરોડ રૂપિયાની આવક મ્યુનિસિપલ કોર્પોરેશનને થઈ છે. રાણીપ, ચેનપુર, નવરંગપુરા, વાસણા, નારણપુરા અને સુભાષ બ્રિજ સહિતના વિસ્તારોમાં આવેલી કોમર્શિયલ મિલકતોને સીલ કરવામાં આવી છે