માનવ જોષી દ્વારા, અમદાવાદ : 23 માર્ચ એટલે આપણા દેશની સ્વતંત્રતા માટે પોતાના જીવનની આહુતિ આપનાર શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂનો 95 મો શહીદ દિવસ.આ મહાન ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ આપવા માટે ભારત દર વર્ષે 23 માર્ચે શહીદ દિવસ મનાવે છે. 23 માર્ચના દિવસે આ ત્રણ સ્વાતંત્ર્ય સેનાનીઓને અંગ્રેજોએ ફાંસી આપી હતી. નાની ઉંમરે આ વીરોએ દેશની આઝાદી માટે લડાઈ લડી અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું હતું.ત્યારે નવા વાડજ વિસ્તારમાં સંગઠનો દ્વારા શહીદ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજે 23મી માર્ચના દિવસે સમગ્ર દેશમા શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે નવાવાડજમાં સ્નાનાગરની સામે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક ઓર્ગેનાઇઝેશન (AIDSO), ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક યુથ ઓર્ગેનાઇઝેશન (AIDYO) અને ઓલ ઇન્ડિયા મહિલા સાંસ્કૃતિક સંગઠન (AIMSS) દ્વારા શહીદ દિવસને જાગૃતિ જગાવનાર દિન તરીકે ઉજવી અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં આપણા આ ક્રાંતિકારીઓનો જીવન સંદેશ પહોંચતો કરવા વિવિધ પત્રિકાઓ, પુસ્તકો ભાષણ, ગીતો, નાટક તથા ફોટો પ્રદર્શન દ્વારા એક એક નાગરિક સુધી પહોંચાડવાનો સનિષ્ઠ પ્રયાસ કર્યોં હતો.
આ કાર્યક્રમમાં સંગઠનના પ્રમુખ રિમ્મી વાઘેલા, જયેશ પટેલ અને મીનાક્ષીબેન જોષીએ આ દિવસને જાગૃતિ જગાવનાર ગણાવ્યો હતો, આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી આ પ્રયાસને સમજી, આ કાર્યક્રમને પોતાની દેશભક્તિના પ્રાગટ્યની તક ઝડપી તેમાં જોડાયા હતા. ભવિષ્યમાં દેશના ઉત્થાન માટે જાગૃતિપૂર્ણ પ્રયાસ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને શહીદ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવજીને પુષ્પ અર્પણ કરી તેમના પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કર્યોં હતો.