અમદાવાદ : શહેરના ગીચ વિસ્તાર ગણાતા કોટ વિસ્તારમાં આવેલા માણેક ચોકની ઘાંચીની પોળમાં ત્રણ માળનું એક મકાન ધરાશાયી થયું છે. આ મકાન ધરાશાયી થતા મહિલા અને બાળકને ઇજા પહોંચી છે. આ મકાનના કાટમાળ નીચે દબાયેલી એક મહિલાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મહિલા ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. હાલ ત્યાં અન્ય કોઈ દટાયું તો નથી તે અંગેની તપાસ કરવામાં આવી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના માણેક ચોકમાં આવેલી ઘાંચીની પોળમાં ત્રણ માળનું મકાન ઘરાશાયી થયું છે. જેમાં 50 વર્ષિય મહિલા અને 11 વર્ષના બાળકને ઇજા પહોંચતા તેમને હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યા છે.આ મકાન ઘરાશાયી થતા મોટો અવાજ આવ્યો હતો. જેના કારણે આસપાસના લોકો પણ ગભરાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમો, એએમસીની ટીમ અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા છે.આ સમાચાર વાયુવેગે ફેલાતા આસપાસના સ્થાનિકો પણ આ જોવા માટે અહીં આવી ગયા છે.
તમને જણાવી દઈએ કે ગત રવિવારે માણેકચોક બજારમાં આવેલી એક દુકાનમાં આગ લાગી હતી. વહેલી સવારે લગભગ ચાર વાગ્યા આસપાસ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ આગ લાગી હતી. બન્ને દુકાનોમાં આગને કારણે અંદાજે 15 લાખનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ છે. જ્યારે ફાયર બ્રિગેડની ટીમે મહામહેનતે આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.