અમદાવાદ : અમદાવાદના કાંકરિયા ખાતે આવેલા પ્રાણીસંગ્રહાલયમાં ફરવા આવનારા લોકો માટે હવે નવા નજરાણાનો ઉમેરો થયો છે. મધ્યપ્રદેશના ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલય ખાતેથી વાઘ અને કાળિયારની જોડીઓ લાવવામાં આવી હતી. એક મહિનાના ક્વોરેન્ટાઇન રાખ્યા બાદ આજે (28 માર્ચ, 2025) શુક્રવારે કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં મુલાકાતીઓને નિહાળવા માટે મૂકવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશ ખાતે આવેલા ગ્વાલિયર પ્રાણી સંગ્રહાલય અને અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલય અને વચ્ચે પ્રાણી-પક્ષીઓનો વિનીમય કરવા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી, નવી દિલ્હીની મંજૂરી મળી હતી.જે અંતર્ગત 16 ફેબ્રુઆરીના રોજ અમદાવાદ પ્રાણીસંગ્રહાલયથી વિનમય કરવા માટેના પ્રાણી, પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલીયર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ગ્વાલીયરથી વાઘની એક જોડી (નર-માદા) અને કાળીયારની પાંચ જોડી (માદા 5 અને નર 5) કાંકરિયા પ્રાણીસંગ્રહાલય ખાતે ત્રણ ટ્રક મારફતે લાવવામાં આવ્યા હતા. પ્રાણીઓને સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, નવી દિલ્હીના નીતિ નિયમો અનુસાર એક માસ સુધી કવોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા હતા. તેનો એક મહિનાનો પિરિયડ પૂરો થયા બાદ મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા મુલાકાતીઓ માટે મૂકવામાં આવ્યા છે.
કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાંથી આપવામાં આવેલા પ્રાણી, પક્ષીઓ, સરીસૃપોના દર વર્ષે મોટી સંખ્યામાં બચ્ચાંઓ જન્મે છે. વધારાના આ પ્રાણી પક્ષીઓ અને સરીસૃપો ગ્વાલિયર પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવેલા છે. હાલમાં અમદાવાદ ઝૂ ખાતે એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને 5 વાઘણ તથા 1 વાઘ (નર), 9 દિપડા જેમાં 4 નર અને 5 માદા, 1 રીંછ, 1 હાથી, 2 હિપોપોટેમસ, 10 શિયાળ અને મોટી સંખ્યામાં પક્ષીઓ અને સરીસૃપો કુલ મળી 2100 ઉપરાંત વન્ય પ્રાણીઓને કાંકરિયા પ્રાણીસંગ્રહાલયમાં રાખવામાં આવેલા છે.
ગરમીની સીઝનની શરૂઆત થતા કર્યા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓ માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સિંહ, વાઘ, દીપડા સહિતના પ્રાણીઓને ગરમી તથા લૂથી બચાવવા માટે ઇન્ડસ્ટ્રીયલ કુલર મુકવામાં આવ્યા છે. કુલરથી પ્રાણીઓને ઠંડક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત હાથી તેમજ હિપોપોટેમસના પાંજરામાં પાણીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. બપોર બાદ પ્રાણીઓ અને પક્ષીઓ ઉપર પાણીનો પણ છંટકાવ કરવામાં આવે છે. અન્ય પક્ષીઓના પાંજરામાં ગ્રીનનેટ લગાવવામાં આવી છે. આમ પ્રાણીઓ અને પક્ષીઓને ગરમીથી રાહત માટે તે માટે વિશેષ કાળજી લેવામાં આવી રહી છે.