ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એસટી નિગમ દ્વારા બસ સેવાના ભાડામાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આજે મધ્યરાત્રિથી નવા ભાડા લાગુ કરવામાં આવશે. એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને અસર થશે.
મળતી માહિતી મુજબ, ST નિગમ દ્વારા આજે ફરીથી બસના ભાડાં વધારવામાં આવ્યો છે. 28 માર્ચ 2025ની મધરાતથી એટલે કે 29 માર્ચ 2025 રાત્રે 12 વાગ્યાથી 10 ટકાનો ભાડાંમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં લોકલ સર્વિસમાં કુલ મુસાફરો પૈકી 85 ટકા મુસાફરો (દરરોજ અંદાજીત 10 લાખ) 48 કિમી સુધીની મુસાફરી કરે છે જેમાં માત્ર રૂપિયા એકથી રૂપિયા 4 સુધીનો ભાડાંમાં વધારો કરવામાં આવ્યો છે.એસટી નિગમના આ નિર્ણયથી રાજ્યના 27 લાખ મુસાફરોને સીધી અસર થશે.
ST વિભાગે બસના ભાડામાં હવે 10 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેના કારણે સામાન્ય માણસના ખીસા પર અસર પડવાની છે. આજ રાતથી 12 વાગ્યા પછી ભાવ વધારો લાગુ થઈ જશે. 48 કિ.મી.ની મુસાફરીમાં રૂપિયા 1 થી 4 સુધીનો વધારો કરવાનો ST વિભાગ દ્વારા નિર્ણય લેવાયો છે. મુસાફરોને ધ્યાને રાખી માત્ર 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. નિયમ મુજબ 68 ટકાનો વધારો સૂચવાયો હતો. વર્ષ 2014 થી 2023 સુધીમાં 68 ટકાનો વધારો સૂચવ્યો હતો.એટલે કે એવું કહી શકાય કે આવતીકાલથી એસટી બસમાં મુસાફરી કરતા લોકોને વધારે ભાડુ આપવું પડશે.
ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલા 31 જુલાઈ 2023ના રોજ એસટી નિગમ દ્વારા 25 ટકા સુધી ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. GSRTC દ્વારા આ લાગુ થનારા ભાડામાં 48 કિમી સુધી રૂપિયા એકથી લઈને 6 રૂપિયા સુધીનો વધારો કર્યો હતો. 2014 બાદ પહેલીવાર ભાડામાં વધારો કરાયો હોવાનો નિગમ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.
દરરોજ 27.18 લાખ મુસાફરો એસ.ટી. બસમાં મુસાફરી કરે છે ગુજરાતમાં દરરોજ 18.21 લાખ ગ્રામીણ મુસાફરો, 46 હજાર શહેરી મુસાફરો અને 8.30 લાખ વિદ્યાર્થીઓ એમ કુલ મળીને 27.18 લાખ મુસાફરો રાજ્યની એસ.ટી. બસમાં મુસાફરી કરે છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને (GSRTC)ની કુલ 8,320 બસ દરરોજ 42,083 જેટલી ટ્રીપ પૂરી કરે છે. તમામ બસોનું 34.52 લાખ કિલોમીટર જેટલું અંતર દરરોજ કાપે છે. ગુજરાતના 18,367 ગામડાઓ એટલે કે 99.34 ટકા ગામડાઓને એસ.ટી. નિગમે આવરી લીધા છે.