અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિયર ભાભીના સંબંધોને લાંછન લાગે તેવો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વાડજ વિસ્તારમાં રહેતી મહિલાએ કૌટુંબિક દિયર સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. દિયરે મહિલાના ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપીને અવારનવાર અલગ અલગ હોટલોમાં લઈ જઈ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ મહિલાનો પતિ વિદેશમાં નોકરી કરે છે. દિયરથી કંટાળીને મહિલાએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં રહેતી 32 વર્ષીય મહિલાનો પતિ આઠ વર્ષથી કામ કરવા માટે વિદેશ ગયો છે. મહિલાનો પતિ દર છ મહિને વિદેશથી ઘરે આવતો હતો. કાકા અને સસરા આ મહિલાના ઘરની નજીક રહે છે. લગભગ ચાર વર્ષ પહેલા મહિલા ઘરનો દરવાજો બંધ કરીને સ્નાન કરીને બહાર આવી હતી. ત્યારબાદ તેના પરિવારના થતાં દિયરે બંધ દરવાજામાં હાથ નાખીને સ્ટોપર ખોલીને ઘરમાં પ્રવેશ કર્યો. તેણે મહિલાનું મોં દબાવીને શારીરિક સંબંધો બાંધવા દબાણ કર્યું. જે બાદ આરોપીએ મહિલાના ફોટા અને વીડિયો ઉતાર્યા.
જે બાદ આ દિયર ભાભીને વારંવાર ધમકાવતો હતો. દિયર કહેતો હતો કે, “કોઈને કહીશ તો તારા ફોટા અને વીડિયો વાયરલ કરી નાખીશ.” આ ધમકીઓ બાદ અવારનવાર અલગ અલગ હોટલોમાં અને ઉદયપુર ખાતે લઇ જઇને આરોપીએ દુષ્કર્મ આચર્યું હતું. કૌટુંબિક દિયરના ત્રાસથી કંટાળીને મહિલાએ તેને ફોનમાં જ કહી દીધુ હતુ કે તે પોલીસને આ અંગેની ફરિયાદ કરવા જાય છે. જેથી આરોપી તેના પરિવાર સાથે તેના ઘરેથી ભાગી ગયો હતો. આખરે આ મામલે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.