અમદાવાદ : ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રાની તડામાર તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. રથયાત્રાના આગલા દિવસે ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. એવું કહેવાય છે કે વર્ષમાં એક વખત ભગવાન જગન્નાથજી સોનાવેશ ધારણ કરે છે. તો ઘરે બેઠા કરો ભગવાન જગન્નાથજીના સોનાવેશ દર્શન. મહત્વનું છે કે, ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. પીળા વાધા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથજીનું સ્વરૂપ દેદીપ્યમાન લાગી રહ્યું છે. સોનાવેશના પ્રસંગે દરવર્ષે શ્રદ્ધાળુંઓ ભગવાનને વિવિધ પ્રકારની ભેટ અર્પણ કરતા હોય છે.
યજમાન દ્વારા જ્યારે મામેરુ કરવામાં આવે છે ત્યારે ભગવાન માટે સોનાના આભૂષણો લાવવામાં આવે છે. ત્યારે સોનાવેશ ધરાવતા પહેલા યજમાન દ્વારા સોનાવેશનું પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ ભગવાનને સોનાવેશ અર્પણ કરવામાં આવ્યો. જગન્નાથજી સોનાવેશમાં મનોહર રૂપના દર્શન કરવા ક્યાંય ક્યાંયથી ભક્તો ઉમટી પડ્યા હતા. ભગવાનની એક ઝલક જોવા ભક્તો પડાપડી કરી રહ્યા છે. કારણ કે નાથનું આવુ રૂપ આખા વર્ષમાં આજે જ જોવા મળે છે.
મહત્વનું છે કે હંમેશા ગજરાજની આગેવાની જ રથયાત્રા નીકળે છે. ત્યારે રથયાત્રાને લઇને આજે ગજરાજોનું પણ પૂજન કરવામાં આવ્યું. ગજરાજને પણ રથયાત્રાને લઇને ખાસ શણગાર કરવામાં આવશે. ગજરાજ રથયાત્રાની આગેવાની કરીને શોભામાં અભિવૃદ્ધિ કરશે.