અમદાવાદ : અમદાવાદમાં ફરી એક વાર અકસ્માતની ઘટના સામે આવી છે. શાહીબાગમાં ડફનાળા પાસે રવિવારે વહેલી સવારે ગાડીનો અકસ્માત સર્જાયો હતો. ગાડી પૂરપાટ ઝડપે ડિવાઈડર કૂદીને સામેના રોડે પર પહોંચી જતાં એક રીક્ષા અને અન્ય કારને અથડાઈ હતી.કાર ચાલકે કાબુ ગુમાવી દેતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર પલટી ખાઈ રોડ પર ઉભેલી રિક્ષાને ટકરાઈ હતી. જેના પગલે કારમાં સવાર 4 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
મળતી માહિતી મુજબ, અમદાવાદમાં રવિવારે વહેલી સવારે 3 વાગ્યે વોક્સવેગન પોલો ગાડીચાલક એરપોર્ટ સર્કલથી ડફનાળા તરફ આવતો હતો. ત્યારે એસીબી ઓફિસની સામે વળાંકમાં ભાગે બ્રેક મારતા પોલો ગાડી ડિવાઇડર કૂદી સામેના ભાગે આવી ગઈ હતી. જે એક રીક્ષા તથા અન્ય ફોરવ્હીલ ગાડીને સાથે ટકરાઈ હતી. ગાડી ટકરાયા બાદ પોલો ગાડીમાં બેઠલા લોકો નીચે ઉતર્યા ત્યારબાદ ગાડીમાં શોર્ટ સર્કિટના કારણે અચાનક આગ લાગી હતી. જેના કારણે ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.
ટક્કર એટલી ભયાનક હતી કે, કાર પલટી ગઈ અને તેનું એન્જિન ફાટી ગયું અને બાદમાં કારમાં આગ પણ લાગી ગઈ હતી. અકસ્માતમાં એક ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી. જ્યારે રીક્ષા અને ગાડીને પણ સામાન્ય નુકસાન થયું હતું. અકસ્માતમાં પોલો ગાડીમાં બેઠેલા 3 લોકોને સામાન્ય ઇજા પહોંચી હતી જેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. જ્યારે રીક્ષામાં બેઠેલા બે લોકોને સામાન્ય ઇજા થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.