અમદાવાદ : શહેરના જીવરાજ પાર્ક ચાર રસ્તા પાસે આગનો બનાવ બન્યો છે. જ્યાં રાંધણ ગેસના બાટલામાં બ્લાસ્ટ થતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. એપાર્ટમેન્ટમાં રાખવામાં આવેલા ACના ગોડાઉનમાં આગ લાગતા ફાયર વિભાગની 5 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે તેમજ 2 લોકોના મોત થયા છે.પોલીસે પણ ઘટનાસ્થળ પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આગ લાગ્યા બાદ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. નવરંગપુરા, પ્રહલાદનગર અને જમાલપુર વિસ્તારના ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગના જવાનોએ ઘટનાસ્થળેથી માતા અને બે વર્ષના બાળકને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. જોકે મળતી માહિતી અનુસાર હોસ્પિટલમાં સારવાર દરમિયાન માતા અને બાળકનું મોત થયું છે.
આગની ઘટનામાં મકાન માલિક અને AMCની બેદરકારી પણ સામે આવી છે. જ્ઞાનદા સોસાયટીના હોદેદારોએ એક વર્ષ પહેલા જ રહેણાંક મકાનનો જે રીતે ઉપયોગ થતો હતો તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને મકાન માલિકને નોટિસ આપી હતી. જે તે સમયે AMCને પત્ર લખીને પણ જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર ઘટનાની જાણ થતા ધારાસભ્ય અમિત ઠાકર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બનાવના પગલે સ્થાનિક લોકોમાં ડરના માહોલ છવાયો છે, જો કે, અત્યાર સુધી કોઈ જાનમાલના મોટા નુકસાનની વિગતો સામે આવી છે.
રાંધણ ગેસનો બાટલો ફટાકડાની જેમ ફૂટ્યો હતો અને જેના કારણે આગ લાગી હતી. જો કે, બનાવના પગલે લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા તેમજ ઘટનાસ્થળની આજુબાજુમાંથી કેટલીક જ્વલનસીલ વસ્તુઓ દૂર કરવામાં આવી હતી. પરંતુ એપાર્ટમેન્ટમાં પાર્ક કરેલી કેટલીક ગાડીઓ બળીને ખાખ થયાની પણ વિગતો સામે આવી છે.