અમદાવાદ : અમદાવાદના RTO સર્કલ નજીક ચિમનભાઈ બ્રિજ પર બે લુટારુ રિક્ષામાં જતી મહિલાના 13.56 લાખના દાગીના લૂંટી ગયા હોવાની ઘટના બુધવારે વહેલી સવારે બની હતી. ભત્રીજીના લગ્ન માટે મુંબઈથી દાગીના બનાવીને અમદાવાદ આવેલો પરિવાર વહેલી સવારે કાલુપુર રેલ્વે સ્ટેશનથી સાબરમતી ઘરે જવા રીક્ષામાં બેઠું હતું.ત્યારે RTO સર્કલ પાસે ચિમનભાઇ પટેલ બ્રીજ પાસે પહોંચ્યા ત્યારે સ્કૂટર પર આવેલા બે યુવકો અચાનક રીક્ષાને આંતરીને વેપારીના પત્નીના હાથમાં રહેલા પર્સની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના અંગે રાણીપ પોલીસે ગુનો નોંધીેને સીસીટીવી ફુટેજ અને ચોક્કસ મોડ્સ ઓપરેન્ડી ધરાવતી ગેંગની વિગતો એકઠી કરીને તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતીમાં આવેલા જવાહર ચોક સ્થિત આરાધના સોસાયટીમાં રહેતા રમેશભાઇ જૈનના સુરત ખાતે રહેતા મોટાભાઇ ગૌતમચંદની પુત્રીના લગ્ન આગામી જુન મહિનામાં હોવાથી તેને આપવા માટે દાગીના ખરીદવા હોવાથી તેમની પાસે રહેલા સોનાના ત્રણ બિસ્કીટ, સોનાની ચેઇન સહિતના દાગીના લઇને સુરત ગયા હતા. જ્યાંથી ગત 6 એપ્રિલના રોજ મુંબઇ ગયા હતા.
ઝવેરી બઝારમાં સોનાના બે બિસ્કીટ આપીને કડુ, મગળ સુત્ર, સોનાની ચેઇન, અને વીંટી, તેમજ ઘડીયાળની ખરીદી કરી હતી. ત્યારબાદ મંગળવારે રમેશભાઇ અને તેમના પત્ની પુષ્પાબેન મુંબઇથી અમદાવાદ ટ્રેનમાં બેસીને બુધવારે વહેલી સવારે કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યા હતા. જ્યાંથી બંને એક રીક્ષામાં બેસીને સાબરમતી પોતાના ઘરે જતા હતા, ત્યારે સોનાના દાગીના, રોકડ અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ રૂપિયા 13.56 લાખની મતા ભરેલું પર્સ પુષ્પાબેન પાસે હતુ.
સવારે પાંચ વાગ્યાના સુમારે રીક્ષા RTO સર્કલથી ચિમનભાઇ પટેલ બ્રીજ પર જતી હતી. ત્યારે એક્ટીવા સ્કૂટર પર આવેલા બે યુવકોએ રીક્ષાને આંતરીને રોકી હતી અને પાસે આવીને પુષ્પાબેનના હાથમાંથી સોનાના દાગીના મળીને 13.56 લાખની મત્તા ભરેલુ પર્સ લૂંટને સાબરમતી તરફ નાસી ગયા હતા. જેથી તાત્કાલિક રમેશભાઇ જૈન અને તેમના પત્ની રીક્ષા લઇ રાણીપ પોલીસ સ્ટેશન આવ્યા હતા અને સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી હતી.