અમદાવાદ : આજે હનુમાન જયંતીની ગુજરાતના વિવિધ હનુમાન મંદિરોમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી જ ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અમદાવાદના કેમ્પ હનુમાન, બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કષ્ટભંજનદેવ સાળંગપુર, અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજી તેમજ અમરેલીનાં ભૂરખિયા હનુમાનજીના મંદિર ખાતે શ્રદ્ધાળુઓનું કિડીયારૂ ઉભરાયું હતું.
સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિરમાં ચૈત્ર સુદ પૂર્ણિમાએ હનુમાનજયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી. કષ્ટભંજન દાદાને સુવર્ણ વાઘાનો શણગાર કરવામાં આવ્યો છે, સાથે જ દાદાના જન્મદિવસની ઉજવણી પર 250 કિલો કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું, જે પ્રસાદ સ્વરૂપે ભક્તોને આપવામાં આવશે. એટલું જ નહિ, 51,000 બલૂનથી ભક્તોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન ખાતે હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. કેમ્પ હનુમાન મંદિરમાં 300 કિલોની બુંદીની કેક બનાવવામાં આવી છે. આ ઉપરાંત 251 કિલો માવાની કેક પણ બનાવવામાં આવી છે એટલે કુલ 551 કિલોની કેક તૈયાર કરવામાં આવી હતી.આ બુંદીની કેકને નવ ગ્રહનો આકાર આપવામાં આવ્યો છે. જે મંદિરમાં પ્રસાદી સ્વરૂપમાં ધરાવવામાં આવ્યો છે.હનુમાનજીના જન્મોત્સન નિમિત્તે કેમ્પ હનુમાન મંદિરમાં અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
આ ઉપરાંત પૌરાણિક અને સુપ્રસિદ્ધ હનુમાનદાદાના વિવિધ મંદિરો ખાતે વહેલી સવારથી જ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં સુંદરકાંડ પાઠ, હોમ હવન, સામૂહિક ભંડારા પ્રસાદી તેમજ અનેક નાના મોટા ધાર્મિક કાર્યક્રમો ના આયોજન કરવામાં આવ્યા છે. અમદાવાદના કેમ્પ હનુમાન, કષ્ટભંજન દેવ સાળંગપુર અને અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજીના દર્શન કરવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ ભગતોએ આરતીનો લ્હાવો લઇને દર્શન કર્યા હતા.