અમદાવાદ : શહેરના જુદા-જુદા વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વર્ષો પહેલા ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા. 30 વર્ષથી વધુ જુના મકાનો હોવાના કારણે ભયજનક અને જર્જરિત થઈ ગયા છે, જેના કારણે હવે તેને રીડેવલપમેન્ટ કરવા અંગેનો નિર્ણય તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મ્યુનિ. દ્વારા સફાઈ કામદારો માટે 30 વર્ષ પહેલાં બનાવેલા 7 વિવિધ ક્વાર્ટસ જર્જરિત થઇ જતાં હવે મ્યુનિ. દ્વારા રિડેવલપમેન્ટ યોજના હેઠળ તમામ ક્વાર્ટર્સને નવેસરથી બનાવવા માટે તૈયારી દર્શાવી છે. આ ક્વાર્ટર્સમાં અત્યાર સુધી 1231 જેટલા લાભાર્થીઓને ક્વાર્ટર્સ ફાળવવામાં આવ્યા હતા.શહેરના જમાલપુર, શાહપુર, ગિરધરનગર, ચામુંડા બ્રિજ સહિતના કુલ 1231 જેટલા ક્વાર્ટર્સ રીડેવલપમેન્ટ કરવામાં આવશે.ચોથા વર્ગના કર્મચારીઓને વર્ષો પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી ફાળવાયેલા મકાનો જર્જરિત અને ભયજનક બની ગયા હોવાથી કોઈપણ સમયે દુર્ઘટના સર્જાવાની શક્યતા છે, જેના પગલે તેઓને અવારનવાર નોટિસ આપી રીપેરીંગ કરવા જાણ કરવામાં આવે છે.
વર્ષો પહેલાં ફાળવાયેલા જાહેર આવાસોના પ્લોટ વિસ્તારનાં અંદરનાં માર્જીનમાં, ટેરેસ પર વગેરે જગ્યા પર વધારાનાં ઝુંપડા બાંધી લોકો રહે છે. આ યોજનામાં સમાવેશ કરવા અને સમાવેશ કરવામાં આવે તો જ રીડેવલપમેન્ટ કરવું તે મુજબની અમદાવાદ મ્યુનિસિપલ સર્વન્ટ એસોસીએશનની રજુઆત કરાઈ હતી. પરંતુ, જાહેર આવાસોનો પુનઃવિકાસ યોજના-2016ની જોગવાઈ મુજબ મુળ લાભાર્થી સીવાય આ રીતે વધારાનાં રહેતા લોકોને મકાન આપી શકાતા ન હોવાથી પોલિસીમાં સુધારો કરવા માટે દરખાસ્ત મંજૂર કરીને રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી છે.
મ્યુનિ.ના સફાઇ કર્મચારીઓના આ ક્વાર્ટર્સમાં મ્યુનિ.માં કામ કરતાં સફાઇ કામદારો દ્વારા જ ઝૂંપડાં બાંધીને રહેવા લાગ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે આવા સફાઇ કામદારોને 30 ચો.મી. કાર્પેટ એરિયાનું મકાન 3 લાખમાં આપવામાં આવશે. જોકે તેમાં મૂળ લાભાર્થી સિવાયના વધારાના રહેનાર લોકોને જ લાબ મળશે, મુળ લાભાર્થીનું ઝૂંપડું હશે તો તેમને આ યોજના હેઠળ મકાન નહીં મળે. મૂળ લાભાર્થીના પરિવારના સભ્ય હોય તો તેમને પણ આ મકાન નહી મળે. એટલું જ નહી જે પણ આ રીતે ઝૂંપડું બાંધીને રહેતા હોય તેમણે છેલ્લા 10 વર્ષમાં મ્યુનિ.ના પગારમાં એચઆરએ (હાઉસિંગ રેન્ટ એલાઉન્સ) મેળવ્યું ન હોવું જોઇએ તેની ચકાસણી કરીને બાદમાં જ આ મકાનની ફાળવણી કરવામાં આવશે.