અમદાવાદ : ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાથમિક શાળાઓને લઈને આદેશ આપ્યા છે. શહેરની તમામ શાળાઓેને બપોરે 12 વાગ્યા પહેલા પ્રાથમિક શાળામાં શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરી દેવા અને બપોરના 12 વાગ્યા પછી શૈક્ષણિક કાર્ય બંધ રાખવા અંગે સૂચના આપવામાં આવી છે.
રાજ્યમાં ગરમીનો પારો હાઈ જઈ રહ્યો છે, ત્યારે શાળાના વિદ્યાર્થીઓને આકરી ગરમીમાં સેકાવવાનો વારો ન આવે એટલાં માટે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ 12 વાગ્યા સુધી શિક્ષણકાર્ય પૂર્ણ કરવા આદેશ કર્યા છે. અમદાવાદની કોઈ પણ સ્કૂલ બપોરે 12 વાગ્યા બાદ ચાલુ નહીં રાખવા માટે સૂચના આપવામાં આવી છે.સ્કૂલે પોતાનો અભ્યાસ 12 વાગ્યા સુધીમાં પૂરો કરી દેવાનો રહેશે.12 વાગ્યા બાદ કોઈપણ સ્કૂલ ચાલી શકશે નહીં.આ અંગે અગાઉ શિક્ષણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સ્કૂલો માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો.
જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં ઉનાળુ વેકેશન પડશે, આ દરમિયાન શાળાએ 12 વાગ્યા સુધી જ શાળા ચાલુ રાખવી. જ્યારે 12 વાગ્યા પછી શૈક્ષિણક કાર્ય ચાલુ રાખનાર શાળા સામે કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈને આવતીકાલે શુક્રવારથી (18 એપ્રિલ, 2025) ચેકિંગ હાથ ધરવામાં આવશે.