અમદાવાદ : વિશ્વ લીવર દિવસે જ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લીવર સહિત કુલ ત્રણ અંગો અને આંખોનું દાન મળ્યું હતું. ખેડબ્રહ્માના 17 વર્ષના યુવાન મનુભાઇ ઓડિયાનો માર્ગ અકસ્માત થયો હતો અને તેનું સારવારના અંતે બ્રેઇન ડેડ જાહેર થતાં સ્વજનોએ કર્યું અંગદાન કર્યું હતું. સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 164 લીવરનું દાન મળ્યું છે.
મળતી વિગતો અનુસાર, સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ના વતની 17 વર્ષના યુવાન મનુભાઇ ઇન્દ્રેશભાઇ ઓડીયાને ૧૨ એપ્રિલના રોજ રાત્રે ૮:૩૦ કલાકે માર્ગ અકસ્માત નડ્યો. જેમા માથાના ભાગે ગંભીર ઇજા થતાં પ્રથમ ખેડબ્રહ્મા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ સઘન સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલ અને ત્યારપછી વધુ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ માં 16 એપ્રિલ ના રોજ લાવવામાં આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન 19 એપ્રિલ ના રોજ ડૉક્ટરોએ મનુભાઇને બ્રેઈન ડેડ જાહેર કર્યા હતા. મનુભાઇ ના પિતા ઇંદ્રેશભાઇ તેમજ તેમના દાદાએ ખુબ વિચારના અંતે આવી પરીસ્થિતિમાં મનુભાઇના અંગોનુ દાન કરી બીજાના શરીર માં મનુભાઇ જીવીત રહેશે એમ સમજી બીજા ત્રણ લોકોની જીંદગી બચાવવા અંગદાન કરવાનો પરોપકારી નિર્ણય કર્યો.
તેમણે આગળ કહ્યું હતું કે મનુભાઇના અંગદાનથી મળેલ બે કીડની, એક લીવર ને સિવિલ મેડીસીટી કેમ્પસની જ કીડની હોસ્પિટલના જરુરીયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવશે. તેમજ બે આંખોનુ દાન સિવિલ મેડીસીટી કેમ્પસની જ એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવ્યુ હતું. આમ આ અંગદાનથી કુલ ત્રણ લોકોની જીંદગી બચાવી શકાશે તેમ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષીએ જણાવ્યુ હતુ.
સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 188 અંગદાતાઓ થકી કુલ 615 અંગોનું દાન મળેલ છે. જેમાં 164 લીવર, 342 કીડની, 11 સ્વાદુપિંડ, 60 હ્રદય, 30 ફેફસા, 6 હાથ, 2 નાના અંતરડા અને 10 ચામડીનો સમાવેશ થાય છે. આ 188 અંગદાતા ઓ થકી 597 વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે.