અમદાવાદ : અમદાવાદમાં હાલ તમામ રોડ ઉપર વાહનોની અવરજવર રહેતી હોય છે ત્યારે અમદાવાદના એસજી હાઇ-વે કે જે સિક્સ લાઈન બનાવવામાં આવ્યો છે. ત્યાં રોડ ક્રોસ કરવા માટે શહેરીજનોને ખૂબ જ હાલાકી નો સામનો કરવો પડે છે. જેને લઇ એએમસી દ્વારા હવે એસ જી હાઇ-વે ઉપર જુદી જુદી જગ્યાએ 5 જેટલા ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આ ફૂટઓવર બ્રિજ પીપીપી ધોરણે બનાવવામાં આવશે.
એએમસી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, અગાઉ એએમસી દ્વારા શાહીબાગ કેમ્પ હનુમાન મંદિર પાસે ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવ્યા છે. હવે એસ.જી. હાઇવે પર અકસ્માત ઘટાડવા માટે પાંચ મુખ્ય જંક્શન પર ફૂટ ઓવર બ્રિજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. એએમસી દ્વારા એસ.જી. હાઇવે પર ગોતા ફ્લાય ઓવરથી વૈષ્ણોદેવી સર્કલ, નિરમા યુનિવર્સિટીના રોડ પર ફૂટ ઓવર બ્રિજ બનશે. એસ.જી. હાઇવે પર લોડિંગ વાહનોની પણ મોટાપાયે અવર-જવર થતી હોવાથી તમામ ફૂટ ઓવર બ્રિજની ઉંચાઈ લગભગ 5 મીટર રાખવામાં આવશે. તથા સિનિયર સિટીઝન સહિત તમામ નાગરિકોને અગવડ ન પડે તે માટે ફૂટ ઓવર બ્રિજમાં એસ્કેલેટર પણ રાખવામાં આવશે.
– વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી નિરમા યુનિવર્સિટી પાસે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે.
– ગોતા ફ્લાયઓવર બ્રિજ અને એલીવેટેડ કોરિડોરની વચ્ચે ફૂટ ઓવર બ્રિજ.
– એલીવેટેડ કોરિડોર અને થલતેજ અંડરપાસની વચ્ચે બિનોરી હોટલ પાસે ફૂટ ઓવર બ્રિજ.
– થલતેજ અંડરપાસ અને પકવાન ફ્લાયઓવર બ્રિજની વચ્ચે ગ્રાન્ડ ભગવતી પાસે ફૂટ ઓવર બ્રિજ.
– રાજપથ ક્લબ પાસે ફૂટ ઓવર બ્રિજ બનાવાશે.
તમને જણાવી દઈએ કે નિરમા યુનિવર્સિટી પાસે ફેટલ અકસ્માતની સંખ્યા વધી હોવાનું ધ્યાન પર આવતા શાળા-કોલેજ અને ધાર્મિક સ્થાન પાસે ફૂટ ઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ સિવાય શહેરના સાત ઝોનમાં આવેલા મુખ્ય રસ્તા પર જ્યાં ટ્રાફિક વધુ હશે અને રાહદારીઓની અવર-જવર હશે ત્યાં પણ ફૂટ ઓવર બ્રિજ માટે સર્વે કરવામાં આવશે.