અમદાવાદ : શહેરમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. તેમાં પણ ખાસ કરીને કોટ વિસ્તારમાં તથા BRTS રુટ પર ટ્રાફિકની સમસ્યા શહેરીજનોને ખુબ જ પજવી રહી છે. એવામાં AMTS કમિટી દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેના કારણે શહેરમાં ટ્રાફિકમાં થોડી હળવાશ જોવા મળી શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, BRTS કોરિડોરની આજુબાજુના રોડ પર વાહનો વધુ હોવાથી ટ્રાફિક ખૂબ જ વધી ગયો છે. બસોને અવરજવરમાં તકલીફ પડતી હોય છે. ટ્રાફિક સિગ્નલ ઉપર પણ બસોના ઊભા રહેવાનો સમય વધારે જતો હોય છે. મિક્સ ટ્રાફિકનું ભારણ ઓછું કરવા BRTS કોરિડોરમાં AMTS રૂટની બસો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાથમિક તબક્કે પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતા પાંચ રૂટ પરની 49 બસો બીઆરટીએસ ટ્રેકમાં દોડશે. BRTS બસ સ્ટેન્ડ પરથી પણ એએમટીએસની બસ મળી રહેશે. ઓઢવથી ઘુમા, સારંગપુરથી બોપલ, ઘુમાથી નરોડા, ઇસ્કોનથી વિવેકાનંદ નગર અને ગોધાવીથી હાટકેશ્વર એમ પાંચ રૂટની બસો કોરિડોરમાં દોડશે. પાંચ રુટ બાદ તબક્કાવાર અન્ય રૂટ પણ બીઆરટીએસ ટ્રેકમાં દોડાવવામાં આવશે.
કોરિડોરમાં બસો દોડાવવાના કારણે AMTS બસનો અવરજવરનો સમય બચશે, જેના કારણે પ્રવાસીઓ ઝડપથી પોતાના સ્થળ પર પહોંચી શકશે. અમદાવાદ શહેરમાં AMTS હવે BRTS કોરિડોરમાં દોડતી જોવા મળશે. ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.