અમદાવાદ : શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા અને ગેરકાયદેસર દબાણોને લઈને આજે 25 એપ્રિલના રોજ શુક્રવારે રાત્રે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. આ દુકાનોના આગળ ગ્રાહકો પાર્કિગ કરતા હોવાથી જાહેર જનતાને અવર જવર માટે અડચણ થઈ રહી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા કર્ણાવતી ક્લબની સામે આવેલી ઇસ્કોન ગાંઠિયા, કર્ણાવતી સ્નેક્સ, રજવાડી ચા, ગાત્રાળ ટી સ્ટોલ, ગજાનંદ પૌંઆ હાઉસ સહિત 12 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે. આ કાર્યવાહી દુકાનો દ્વારા તેમના ગ્રાહકો માટે પાર્કિંગની યોગ્ય વ્યવસ્થા નહીં કરવાના કારણે કરવામાં આવી છે.

નોંધનીય છે કે, પશ્ચિમ ઝોન એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા આ દુકાનાનો માલિકોને નોટિસ પણ આપવામાં આવી હતી. અહીં દુકાને આવતા મુલાકાતીઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવા માટે લેખિતમાં અને મૌખિક વારંવાર સૂચનાઓ આપવામાં આવી હતી, તેમ છતાં વાહનોના પાર્કિંગ માટે દુકાન માલિકો દ્વારા આપેલ બાંહેધરી મુજબ વ્યવસ્થા કરવામાં આવી નહોતી.

જેથી વાહનોને પરિવહનમાં સરળતા રહે તે હેતુસર અહીની કુલ 12 દુકાનોને સીલ કરવામાં આવી છે. નોંધનીય છે કે, પાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી. પરંતુ માલિકોએ નોટિસ પર ખાસ ધ્યાન આપ્યું નહોતું જેના કારણે તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે.

તંત્રએ દુકાનોને સીલ મારીને નોટિસ પણ આપી છે કે, નોટિસ પ્રમાણે વાત કરવામાં આવે કો, સીલ કરેલી દુકાનોમાં કોઈએ પ્રવેશ કરવો કરવો નહીં તેવું ચોખ્ખા શબ્દોમાં લગવામાં આવ્યું છે. જો કે, આ હુકમની અવગણના કરવામાં આવશે તો તેની જવાબદારી જેતે માલિકની રહેશે અને તેની સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 પ્રમાણે પોલીસ કાર્યવાહી કરવામાં આવશે. તેનો અર્થ એ છે કે, જો દુકાનો ફરી ચાલુ કરવી હોય તો પહેલા પાર્કિંગ માટે વ્યવસ્થા કરવાની રહેશે. બાકી મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.


