અમદાવાદ : ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના નાગરિકો માટે સુવિધાજનક પરિવહન સેવાઓમાં ઝડપથી વધારો કર્યો છે. આજથી 27 એપ્રિલ, 2025થી 7 નવા સ્ટેશનો પર મેટ્રો ટ્રેન દોડવાનો પ્રારંભ કર્યો છે. જેથી સચિવાલય સુધી મેટ્રોમાં બેસીને મુસાફરી કરી શકાશે. વાસણાથી સચિવાલય સુધી મેટ્રો ટ્રેનનું ભાડું રૂપિયા 40 નક્કી કરાયું છે, 1 કલાકમાં સ્ટેશને પહોંચી શકાશે.
પ્રાપ્ત વિગતો મુજબ, મેટ્રો ટ્રેન સેવા મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધીનો પ્રારંભ કરાયો છે, જેમાં આ રૂટ પર લોકોની મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે 7 નવા આધુનિક સ્ટેશનો પણ ઉમેરવામાં આવ્યા છે. GMRC ની આ નવી મેટ્રો સેવા રવિવારથી શરૂ કરાઈ છે. સચિવાલય તરફ જતો આ મેટ્રો રૂટ 27 એપ્રિલ 2025 થી શરૂ કરાઈ છે, તેની શરૂઆત પછી મેટ્રો ટ્રેન મોટેરાથી શરુ અને નવા સ્ટેશનો કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ અને સેક્ટર-10ને જોડશે અને અંતે ગાંધીનગરના સચિવાલય સુધી પહોંચી હતી.
નવી મેટ્રો ટ્રેન સેવા શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી સીધી અને ઝડપી બનશે. આ સિવાય નવું સ્ટેશન શરૂ થવાથી વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે. જેના કારણે તેમને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. તેમજ મુસાફરો સમયસર તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જશે. કારણ કે હવે તેમને કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાવવાની જરૂર નહીં પડે. મેટ્રો ટ્રેન સેવાનું આ વિસ્તરણ માત્ર મુસાફરીને સરળ બનાવશે એટલું જ નહીં પરંતુ પર્યાવરણના રક્ષણમાં પણ મદદ કરશે.