અમદાવાદ : અમદાવાદમાં BRTS બસનો વધુ એક આતંક સામે આવ્યો છે. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં BRTS બસે વધુ એક જીવ લીધો છે.સાબરમતી અચેર ચાર રસ્તા પાસેથી વૃદ્ધ દવા લઈને ઘરે આવતા હતા, ત્યારે તેમણે એક પૂરપાટ ઝડપે આવી રહેલી BRTS બસે ટક્કર મારી હતી. વૃદ્ધ ઇલેક્ટ્રિક વાહન લઈને નીચે પડ્યા હતાં, જેમાં તેમણે ગંભીર ઇજા થતા સ્થળ પર જ મોત થયું હતું. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે BRTS બસના ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતીમાં રહેતા સંજય તિવારીએ એલ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, તેમના 85 વર્ષીય પિતા કેશવપ્રસાદ તિવારી આસારામ આશ્રમમાં સેવા આપે છે. ગઈકાલે 26 એપ્રિલે સવારે તેઓ ઇલેક્ટ્રિક વાહન લઈને નવરંગપુરા આયુર્વેદિક દવા લેવા અને ચેકઅપ લેવા માટે ગયા હતા. બપોરે દોઢ વાગે સંજયભાઈના ફોન પર આશ્રમમાંથી યોગેશ ભાટીનો ફોન આવ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, તમારા પિતાનો સાબરમતી અચેર ખાતે BRTS બસ સાથે અકસ્માત થયો છે, જેથી સ્થળ પર જ તેમનું મોત થયું છે.
સંજયભાઇએ સ્થળ પર પહોંચીને જોયું ત્યારે તેમાં પિતાની લાશ રોડની બાજુમાં પડી હતી. તેમના પિતાને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી, જેના કારણે તેમનું મોત થયું છે. સાબરમતી અચેર તરફથી તેઓ રોડ ક્રોસ કરીને આવી રહ્યા હતા, ત્યારે BRTS બસે ટક્કર મારી હતી, જેથી તેમનું મોત થયું છે. આ અંગે એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.