અમદાવાદ: શહેરમાં પરિવહનની પારાશીશી બનેલી મેટ્રો સેવા તેની પરિવહન સેવા સાથે સાથે નિષ્ઠા અને ઈમાનદારીની પણ પ્રતિતિ કરાવી રહી છે. આજે કાલુપુર મેટ્રો સ્ટેશન પર એક મુસાફર રૂપિયા 4.59 લાખ રોકડ ભરેલી બેગ ભૂલી ગયો હતો. જેમાં મેટ્રો સેવાના સુરક્ષા ટીમ અને અન્ય સ્ટાફે મુસાફરને તેની રોકડ બેગ પરત કરીને ઈમાનદારીનો પરિચય કરાવ્યો હતો.
ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 30 એપ્રિલ, 2025ના રોજ, સવારે 9:35 વાગ્યે, એક મુસાફર મેટ્રો સ્ટેશન પર આકસ્મિક રીતે 4,59,000 રોકડ ભરેલી બેગ છોડી ગયો હતો. સ્થળ પર હાજર સુરક્ષા ટીમ અને સ્ટેશન સ્ટાફની સતર્કતાના કારણે, બેગ ઝડપથી નજરે પડી હતી. SRP દ્વારા યોગ્ય ચકાસણી બાદ બેગમાં રોકડ રકમની પુષ્ટિ કરવામાં આવી હતી.
મેટ્રો સ્ટાફ દ્વારા ઝડપથી જરૂરી કાર્યવાહી હાથ ધરી ત્યારબાદ જ્યારે મૂળ માલિક બેગ પરત લેવા માટે સ્ટેશન પર પહોંચ્યા, ત્યારે સ્ટેશન કંટ્રોલરની ઉપસ્થિતિમાં જરૂરી ચકાસણી બાદ બેગ અને તેની અંદર રહેલી રોકડ રકમ સલામત રીતે પરત કરાઈ. પોતાનો કિંમતી સામાન પરત મળતાં મુસાફર ખૂબ જ ભાવુક બની ગયા અને મેટ્રો સ્ટાફની ઈમાનદારી અને અસરકારક કામગીરી માટે દિલથી આભાર વ્યક્ત કર્યો. તેમજ મેટ્રો સ્ટાફનો આભાર માનતાં ઈમેલ દ્વારા અભિનંદન પાઠવ્યા હોવાનું મેટ્રો સેવા તંત્રએ જણાવ્યું છે.