અમદાવાદ : પહેલગામ આતંકી હુમલાનો બદલો લેતા ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકી કેમ્પો પર કાર્યવાહી કરી છે. આ વચ્ચે દેશના નાગરિકોને જાગૃત કરવા અને તાલીમ આપવાના ઈરાદાથી આજે સિવિલ ડિફેન્સ મોકડ્રીલ યોજાશે. ગુજરાતમાં કુલ 19 શહેરો/જિલ્લામાં મોકડ્રીલ યોજાવાની છે. તો અમદાવાદમાં 9 સ્થળો પર મોકડ્રીલ યોજાશે. ગુજરાતમાં સાંજે 4 વાગે મોક ડ્રીલની સાયરન વાગશે. બીજી બાજુ હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે. બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાતમાં બ્લેક આઉટના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જી હા…ક્ષેત્ર પ્રમાણે બ્લેક આઉટનો સમય નિશ્ચિત કરાયો છે. પૂર્વ ગુજરાત, પશ્ચિમ ગુજરાત અને મધ્ય ગુજરાતના ક્ષેત્રો પ્રમાણે બ્લેક આઉટ થશે.
પૂર્વ ગુજરાતના આ 7 જિલ્લામાં 7:30થી 8 દરમિયાન યોજાશે મોકડ્રીલ
પૂર્વ ગુજરાતના 7 જિલ્લામાં 7:30 થી 8 દરમિયાન મોકડ્રીલ યોજાશે, જેમાં ડાંગ, ભરૂચ, નર્મદા, નવસારી, સુરત, વડોદરા અને તાપીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ દરેક સાતેય જિલ્લાઓમાં 7:30 વાગ્યાથી બ્લેક આઉટ મોકડ્રીલ યોજાશે.
પશ્ચિમ ગુજરાતમાં રાત્રે 8 થી 8:30 દરમિયાન થશે બ્લેક આઉટ
પશ્ચિમ ગુજરાતના જામનગર, કચ્છ, દ્વારકા, ગીર સોમનાથ અને મોરબીમાં 8 વાગ્યાથી બ્લેક આઉટ થશે.
મધ્ય ગુજરાતમાં કયા સમયે થશે બ્લેક આઉટ?
મધ્ય ગુજરાતમાં રાત્રે 8:30 થી 9 દરમિયાન બ્લેક આઉટ થશે. જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ભાવનગર, ગાંધીનગર અને અમદાવાદનો સમાવેશ કરવામાં આવ્યો છે. અહીં આજ રાત્રે 8:30 વાગ્યાથી બ્લેક આઉટ થશે.
બ્લેક આઉટ દરમિયાન ઘર, દુકાન, ઓફિસ કે પછી કંપનીની લાઈટો બંધ રાખવી
જિલ્લા વહીવટીતંત્રે લોકોને મોકડ્રીલ દરમિયાન મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે ઘરો અને દુકાનોમાં બ્લેક આઉટ દરમિયાન ઇન્વર્ટરનો ઉપયોગ કરીને લાઇટનો ઉપયોગ કરવાનું ટાળવાનું કહ્યું છે. તે જ સમયે, જો તમે કાર દ્વારા રસ્તા પર મુસાફરી કરી રહ્યા છો, તો તમારા વાહનને બાજુમાં રોકો અને તેની લાઇટ પણ બંધ કરો.
હોસ્પિટલોમાં લાઈટ ચાલુ રાખવાની છૂટ
મોકડ્રીલ દરમિયાન હોસ્પિટલોને લાઈટ ચાલુ રાખવાની છૂટ આપવામાં આવી છે. હોસ્પિટલોમાં વીજળી કાપ દરમિયાન બેકઅપ અથવા ઇન્વર્ટરનો ઉપયોગ કરી શકાય છે. તેમણે લોકોને ગભરાવાની નહીં તેવી અપીલ કરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, ‘આ ફક્ત એક રિહર્સલ છે. આ દ્વારા, કટોકટીની પરિસ્થિતિઓ ટાળવા માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે.’