અમદાવાદ: ઓપરેશન સિંદૂર દરમિયાન દેશભરમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ફરીથી ખોલવામાં આવશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા સોમવારે (12 મે, 2025) એક પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપવામાં આવી હતી. જેમાં ગુજરાતમાં 7 જેટલા એરપોર્ટ બંધ કર્યા હતા. AAI એ દેશના ઉત્તર અને પશ્ચિમ વિસ્તારમાં બંધ કરાયેલા 32 એરપોર્ટ ખોલવા માટે એરમેનને નોટિસ (NOTAM) જારી કરી છે.
ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સુરક્ષા માટે દેશભરના 32 એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI) અને સંબંધિત ઉડ્ડયન સત્તાવાળાઓએ દેશના ઉત્તર અને પશ્ચિમ ભાગોમાં આવેલા 32 એરપોર્ટ ખોલવા માટે એરમેન (NOTAM) ને નોટિસ જાહેર કરી છે. AAI એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, “ધ્યાન આપો, 15 મે 2025 ના 05:29 કલાક સુધી નાગરિક વિમાન કામગીરી માટે 32 એરપોર્ટને કામચલાઉ બંધ કરવા માટે સંદર્ભ સૂચના જાહેર કરવામાં આવી છે. જાણ કરવામાં આવે છે કે, આ એરપોર્ટ હવે તાત્કાલિક અસરથી નાગરિક વિમાન કામગીરી માટે ઉપલબ્ધ છે.”હવે આ એરપોર્ટ્સ તાત્કાલિક અસરથી સિવિલ એરક્રાફ્ટ ઓપરેશન્સ માટે ઉપલબ્ધ છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે, તેઓ એરલાઇન્સ સાથે સીધા ફ્લાઇટ સ્ટેટસ તપાસે અને નિયમિત અપડેટ્સ માટે એરલાઇન વેબસાઇટ્સનું નિરીક્ષણ કરે.
ગુજરાતના ભુજ, કંડલા, કેશોદ, જામનગર, નલિયા, મુંદ્રા અને પોરબંદર એરપોર્ટની સાથે રાજકોટનું હિરાસર એરપોર્ટ પણ સુરક્ષાના કારણોસર બંધ કરવામાં આવ્યું હતું. જે ફરી શરૂ કરાયા છે. ફરી શરૂ કરાયેલા એરપોર્ટની યાદી જોઈએ તો આદમપુર, અંબાલા, અમૃતસર, અવંતિપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, ચંદીગઢ, હલવારા, હિંડન, જેસલમેર, જમ્મુ, જામનગર, જોધપુર, કાંગડા, કેશોદ, કિશનગઢ, કુલ્લુ મનાલી, લેહ, મુન્દ્રા, નલિયા, પઠાણકોટ, પટિયાલા, પોરબંદર, રાજકોટ, સરસાવા, શિમલા, શ્રીનગર, થોઇસ, ઉત્તરલાઇ અને લુધિયાણાનો સમાવેશ થાય છે.
મળતી વિગતો અનુસાર ઇન્ડિગો અને એર ઇન્ડિયા દ્વારા ટૂંક સમયમાં જ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરવામાં આવશે. બુકિંગ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ફ્લાઇટ સેવાઓ રાબેતા મુજબ શરૂ થઈ જશે.