અમદાવાદ : જો તમે અમદાવાદમાં પોતાનું મકાન ભાડેથી આપતા હોવ તો પોલીસ રજિસ્ટ્રેશન કરાવી લેજો, નહિ તો પસ્તાવાનો વારો આવશે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગદિલ માહોલ અને આગામી દિવસોમાં યોજાનારી રથયાત્રાને ધ્યાનમાં રાખીને પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓના ઘરે તપાસ શરૂ કરી છે.અમદાવાદ પોલીસે છેલ્લા બે દિવસમાં પોલીસ રજિસ્ટ્રેશન વગર મકાન ભાડે આપતા 100 લોકો સામે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસે મોટું ઓપરેશન હાથ ધર્યું છે. અમદાવાદમાં મકાન ભાડે આપનારા, પરંતુ પોલીસના નિયમોનો ભંગ કરનારા મકાન માલિકો સામે અમદાવાદ પોલીસે પગલા ભરવાનું શરૂ કર્યું છે. અમદાવાદમાં પોલીસ દ્વારા છેલ્લાં બે દિવસ દરમિયાન પોલીસમાં નોંધણી વિના મકાન ભાડે આપવાના 100થી વધુ ગુના નોંધીને કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રો મુજબ, દરેક વિસ્તારમાં અમુક વસાહતો એવી છે કે જ્યાં લોકો કાગળ પરની કાર્યવાહી કર્યા વગર ગમે તે વ્યક્તિને મકાન ભાડે આપી દે છે, જેથી સ્થાનિક પોલીસ દ્વારા આવી જગ્યાએ જઈને ભાડૂઆતોની પૂછપરછ કરવામાં આવે છે. તેમાં નોંધણી કરાવ્યા વગરના જે ભાડૂઆત મળી આવે તેમના મકાન માલિક સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ અંગે ગુનો નોંધવામાં આવે છે.
અમદાવાદમાં મકાન ભાડે આપ્યા બાદ પોલીસ વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે. છતાં અનેક મકાન માલિકો પોલીસ વેરિફિકેશન કરાવતા નથી. આ રીતે તેઓ અમદાવાદ પોલીસના જાહેરનામાનો ભંગ કરે છે. મકાન માલિકે ભાડુઆતનું પોલીસ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.