અમદાવાદ : શહેરના હાથીજણ સર્કલ પાસે આવેલી રાધે રેસિડેન્સીમાં પાલતું શ્વાને 4 મહિનાની ઋષિકા નામની બાળકીને બચકાં ભરી લીધાં હતાં. શ્વાને બાળકીને યુવતીના ખોળામાંથી ખૂંચવી લઈ બચકાં ભર્યાં હતાં. ત્યાર બાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં હાથીજણની રાધે રેસિડેન્સી ખાતે ગઇકાલે રાત્રે એક ભયાનક ઘટના બની હતી. જેમાં 4 માસની બાળકીને લઇને તેની માસી એપાર્ટમેન્ટની નીચે બાકડા પર બેઠી હતી. તેની આસપાસ બાળકો રમી રહ્યાં હતા. ત્યારે એક યુવતી અચાનક રોટવીલર બ્રીડના પાલતૂ શ્વાનને લઇને નીકળી હતી. યુવતી ફોન પર વાત કરી રહી હતી અને અચાનક જ કૂતરાએ હુમલો કરી દીધો. જેના કારણે કારણે તેના હાથમાંથી કૂતરું છુટી ગયું અને તેણે 4 માસની બાળકી પર એટેક કરી દીધો હતો. કૂતરાએ બાળકી પર હુમલો કરતાં બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેથી તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. કમ નસીબે સારવાર દરમિયાન બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. જ્યારે પાલતુ શ્વાનના એટેકથી ફ્લેટના રહીશોમાં પણ ફફડાટ જોવા મળ્યો. આ આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
કોર્પોરેશનની ટીમ પણ ત્યાં તપાસ માટે આવી હતી. જેમા તેમણે જણાવ્યુ હતુ કે, પાલતું શ્વાનનું કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે આપણે પહેલા જોઈશું કે આ માલિકે પોતાના પાલતું શ્વાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે કે નહીં.આ ગોઝારી ઘટના બાદ ત્યાં રહેતા લોકોનો રોષ ભભૂક્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે, અમારી સોસાયટીમાં અમારે એક પણ શ્વાન ના જોઈએ. આ ઘટનામાં કડકમાં કડક સજા થાય તેવી અમારી માંગ છે.