અમદાવાદ: રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી દ્વારા ડ્યુઅલ ડીગ્રી પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી હતી.તેનો હવે આવનાર શૈક્ષણિક વર્ષથી અમલ કરવામાં આવશે.વિદ્યાર્થીઓ બી.એ.,બી.કોમ,બીએસસી જેવા કોર્સ સાથે બીજી ડિગ્રીમાં પણ એડમિશન લઈ શકશે.ગુજરાત યુનિવર્સિટી દ્વારા 20 જેટલી ડ્યુઅલ ડીગ્રીના પ્રોગ્રામની જાહેરાત કરવામાં આવી છે.આગામી નવા શૈક્ષણિક સત્રથી ગુજરાત યુનિવર્સિટીમાં ડ્યુઅલ ડિગ્રી કોર્સ શરૂ થવા જઈ રહ્યો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમવાર વિદ્યાર્થીઓને ડ્યુઅલ ડિગ્રી માટે તક મળવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ બીએ, બીકોમ, બીએસસી, બીએસ ગ્રેજ્યુએશન સાથે અન્ય કોર્ષમાં અભ્યાસ કરી ડ્યુઅલ ડિગ્રી લઈ શકે છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, “ડ્યુઅલ ડિગ્રી એક યુનિક અભિગમ આ વખતે અમે અમલ કરવા જઈ રહ્યાં છીએ. સામાન્ય રીતે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ, બીસીએ જેને અમે ચાર વર્ષના કરી બીએસ પ્રોગ્રામ તરીકે ઈન્ટ્રોડ્યુસ કર્યા છે. આ બધા પ્રોગ્રામમાં વિદ્યાર્થી માત્ર એક જ ડિગ્રી માટે અભ્યાસ કરતો હોય છે. ત્રણ કે ચાર વર્ષ સુધી અભ્યાસ કરી એક ડિગ્રી લઈને બહાર આવે ત્યારે તેને રિયલાઈઝ થાય છે કે આ કોર્સની સાથે અન્ય કોઈ સ્કીલ બેઈઝડ કોર્સ કર્યો હોત તો તેના માટે ઉપયોગી થાત. આ બાબતોને ધ્યાને રાખીને યુજીસીએ એનઈપીમાં ડ્યુઅલ ડિગ્રીનું પ્રાવધાન રાખ્યું છે.
લગભગ 27 વિષયમાં ડ્યુઅલ ડિગ્રી વિદ્યાર્થી લઈ શકે છે. એટલે કે વિદ્યાર્થીઓ બીએ, બીકોમ, બીએસસી, બીએસ ગ્રેજ્યુએશન સાથે અન્ય કોર્ષમાં કુલ 27માંથી કોઈ એક વિષય પણ લઈ શકે. આ વિષયોમાં એક વર્ષમાં સર્ટિફિકેટ, બે વર્ષ માટે ડિપ્લોમા, ત્રણ વર્ષ માટે ડિગ્રી અને ચાર વર્ષ ભણશે તો ડિગ્રી ઓનર્સ મળશે. ફુલ ફ્લેજ પ્રોગ્રામ વિદ્યાર્થી કોલેજમાં કરશે જ્યારે ડ્યુઅલ ડિગ્રી વાળો પ્રોગ્રામ બધા યુનિવર્સિટી કેમ્પસમાં ચાલશે. દૂર રહેતા વિદ્યાર્થીઓ ઓનલાઈન મોડથી પણ ડ્યુઅલ ડિગ્રી કરી શકશે. સાયબર સિક્યુરિટી, એવિએશન, મેરીટાઈમ મેનેજમેન્ટ, ફોરેન લેંગ્વેજ, એનિમેશનમાં ડ્યુઅલ ડિગ્રી શક્ય બનશે.”
મહત્વનું છે કે, વિદ્યાર્થીઓ તેમના મુખ્ય માધ્યમ સાથે ગુજરાત યુનિવર્સિટીમાં ડ્યુઅલ ડિગ્રી મેળવી શકશે. કોલેજના સમયને અસર ના થાય તેવા સમયે ડ્યુઅલ ડિગ્રીનો અભ્યાસ કરાવાશે.