અમદાવાદ : અમદાવાદના મિની બાંગ્લાદેશ તરીકે ઓળખવામાં આવતા ચંડોળા તળાવમાં ફરી એકવાર ડિમોલિશનનું કામ શરૂ થયું છે. ચંડોળા તળાવમાં મળી આવેલા તમામ નાના-મોટા કાચાં બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા અને 12,000 થી વધુ દબાણો તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ મંદિરો અને મસ્જિદો જેવા કેટલાક ધાર્મિક સ્થળો તોડી પાડવાના બાકી હતા. આજે વહેલી સવારથી તંત્ર અને પોલીસ દ્વારા ધાર્મિક સ્થળો પર બૂલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
આજે સવારથી ચંડોળા તળાવમાં દક્ષિણ ઝોન અને કોર્પોરેશનના અન્ય ઝોનના એસ્ટેટ વિભાગની ટીમે કડક પોલીસ સુરક્ષા વચ્ચે ગરીબ નવાબ મસ્જિદ, હનુમાન મંદિર અને અન્ય મંદિરો અને મસ્જિદો સહિત 6 ધાર્મિક સ્થળો દૂર કર્યા છે. ઇસનપુર દશા માતા મંદિર નજીક તળાવના કેટલાક સ્થળોએ નાના કાચાં મકાનો પણ તોડી પાડવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.આ ઉપરાંત ઈસનપુર રોડ પર આવેલું જોગણી માતાનું મંદિર, દશામા મંદિર અને હનુમાન મંદિર દૂર કરવામાં આવ્યા છે.કુલ 6 જેટલા ધાર્મિક દબાણો પર મનપાની કાર્યવાહી.અગાઉ 34 જેટલા ધાર્મિક સ્થળો પર દબાણો દૂર કરાયા હતા.
આ પહેલા, આ વિસ્તારમાંથી 2 લાખ ચોરસ મીટર ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આ બાંધકામો મોટાભાગે બાંગ્લાદેશી નાગરિકો દ્વારા કરવામાં આવ્યા હતા. પહેલા તબક્કામાં મોટા પાયે બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. બીજા તબક્કામાં અગાઉ 34 ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા હતા. આજે હાથ ધરવામાં આવેલી કાર્યવાહીમાં મોટા ધાર્મિક સ્થળોને તોડી પાડવામાં આવ્યા છે.
આ ખાસ કરીને, ચોકીદાર બાવની દરગાહ (શાહઆલમ પાસે), ગરીબ નવાજ મસ્જિદ (નાના ચાંડોળા પાસે), પાપામિયા શાહી દરગાહ, અને ઈશાનપુર રોડ પર આવેલા કેટલાક ગેરકાયદેસર મંદિરોને પણ તોડી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ, કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ચંડોળા તળાવની આસપાસ એક દીવાલ પણ બનાવવામાં આવશે તેવી પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે.