અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. પ્રેમ સંબંધમાં યુવકે પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘૂસી તેની હત્યા કરી છે. મૃતક મહિલા પોતાના પતિ, સાસુ અને દીકરી સાથે લગ્ન જીવન પસાર કરી રહી હતી. ત્યારે આ મહિલાને તેના પ્રેમિએ મોતને ઘાટ ઉતારી દીધી છે. સમગ્ર ઘટનાને લઈને આસપાસના લોકોમાં ડરનો માહોલ સર્જાયો હતો. મહિલાના પતિએ સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરાવી છે. પોલીસે હાલ બંને આરોપીની અટકાયત કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના વરસ્ત્રાલમાં હર ભોળેનાથ સોસાયટીમાં મંગળવારે અશોક પટેલ નામના વ્યક્તિએ અંકિતા પ્રજાપતિ નામની મહિલાની તેના જ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી હત્યા કરી દીધી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસે પરિવારજનોની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, મૃતક મહિલાનો આરોપી અશોક પટેલ સાથે પ્રેમસંબંધ હતો. જેના કારણે બંનેના પરિવાર વચ્ચે પણ અગાઉ માથાકૂટ થયેલી હતી. ત્યારબાદ અચાનક મંગળવારે અશોક પટેલ અને તેમની સાથે એક વ્યક્તિ અંકિતા પ્રજાપતિના ઘરે આવી તેમને છરીના ઘા મારી તેમની હત્યા નિપજાવે છે.
પોલીસ ફરિયાદ અનુસાર,27મી મે 2025 ના રોજ ફરિયાદી તેઓના ગેરેજ પર હતા, તે સમયે સાંજના પોણા છ વાગે તેઓની પત્ની અંકિતાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે અશોક પટેલ તેને ફોન કરી મળવા બોલાવે છે અને તેણે ના પાડતા તે ઘરની બહાર બાઈક લઈને આંટા મારે છે. જેથી તેણે દીકરી સાથે પતિની દુકાને આવવાનું કહેતા તેના પતિએ ના પાડતા તે પોતે ઘરે આવે છે તેવું જણાવ્યું હતું. જોકે થોડાક સમય બાદ તેઓની સોસાયટીમાંથી બાજુમાં રહેતા વ્યક્તિએ અને તેઓની દીકરીએ ફોન કરી અશોક પટેલે અંકિતાને છરી મારી છે, તેવું કહેતા તે પોતાના ઘરે પહોંચ્યા હતા અને જ્યાં તેની પત્ની મૃત હાલતમાં જોવા મળી હતી. અશોક પટેલે તેને આંતરડા બહાર આવી જાય ત્યાં સુધી છરીઓ મારી હતી.
ફરિયાદીની માતા સાંજના સમયે ઘરે હાજર હતા, તે સમયે અશોક પટેલ અચાનક તેઓના ઘરે આવ્યો હતો અને યુવતી ઘરમાં રસોઈ કરતી હતી, તે દરમિયાન તેણે રસોડામાં જઈને તેની સાથે ઝઘડો કર્યો હતો અને અચાનક જ પોતાની પાસે રહેલા ચપ્પાથી ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેના કારણે અંકિતાને ઈજાઓ તથા તેની નીચે બેસી ગઈ હતી અને અશોક પટેલ પોતાના મિત્ર સાથે બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ મામલે રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અશોક પટેલ અને તેના મિત્ર સન્ની સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. જોકે હવે આરોપીની તપાસમાં હત્યા પાછળનું કારણ શું છે તે સામે આવશે.