અમદાવાદ : ભારતીય સૈન્યએ પાર પાડેલા ‘ઓપરેશન સિંદૂર’ના માનમાં કોર્પોરેશન જગતપુર બ્રિજ પાસે મ્યુનિ.ના પ્લોટમાં ‘સિંદૂર વન’ નામે ઓક્સિજન પાર્ક બનાવશે. પાર્કમાં અંદાજે 12 હજાર છોડ ઉછેરવામાં આવશે. જેમાં 551 છોડ ‘સિંદૂર’ના હશે. પીપીપીધોરણે સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર તે વિકસાવશે અને 5 વર્ષ સુધી જાળવણી પણ કરશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં ચાંદલોડિયા વોર્ડના જગતપુર બ્રિજ પાસે સિંદૂર વન બનાવવામાં આવશે. વેસ્ટર્ન પ્રાઇઝ ફ્લેટની બાજુમાં, ટી.પી. 35, એફ.પી. 43/1 જગ્યા પસંદ કરવામાં આવી છે. અહીં 5 હજાર ચોરસ મીટર જગ્યામાં પીપીપી ધોરણે ઓક્સિજન પાર્ક (સિંદૂર વન) ડેવલોપ થશે.અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા સિંદૂર વન બનાવવામાં આવશે. આ વન જગતપુર બ્રિજ નજીક 5000 ચોરસ મીટર પ્લોટમાં તૈયાર થશે. જેની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસ એટલે કે 5 જૂને થશે. પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 551 સિંદૂરના વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે.
ભારતીય સંસ્કૃતિમાં સિંદૂરનું ખૂબ મહત્વ છે. શૌર્ય અને હિંમતના દેવતા હનુમાનજીને સિંદૂર ચઢે છે. જ્યારે મહિલાઓ પોતાના પતિની સુરક્ષા કાજે માથાના સેંથામાં સિંદૂર પૂરે છે. ત્યારે આ હિન્દુ ધર્મમાં પવિત્ર એવુ સિંદૂર સિંદૂરીયા તરીકે જાણીતા વૃક્ષના ફળના બીજમાંથી મળે છે. સિંદૂરના વૃક્ષ પ્રથમ કર્ણાટકમાં થતા હતા, પરંતુ ધીરે ધીરે દેશના ઘણા રાજ્યોમાં સિંદૂરના વૃક્ષો પહોંચ્યા છે. ગુજરાતમાં પણ મોટી સંખ્યામાં સિંદૂરીયો ઉગાડવામાં આવે છે.
ગુજરાતની આબોહવામાં સરળતાથી ઉગી નીકળતા સિંદૂરીયાના રોપા સમાજિક વનીકરણ વિભાગ તેમજ નર્સરીઓમાં મળી રહે છે. ખાસ કરીને ખેતરના શેઢે પાળે સિંદૂરીયો ઉગાડવામાં આવે છે. જે ખેડૂતને વધારાની આવક આપે છે. પીપળાના પાન જેવા જ પાન ધરાવતા સિંદૂરીયાને રોપા તેમજ તેની ડાળખીના ટુકડામાંથી પણ ઉગાડી શકાય છે. ત્રણથી ચાર વર્ષમાં તૈયાર થતા સિંદૂરના વૃક્ષ ઉપર થતા અનોખા ફળમાં દાણા દૂર બીજ હોય છે અને તેના ઉપર કેસરી રંગનું સિંદૂર મળે છે.
સિંદૂરીયા પરથી તેના ફળ કાઢી, એમાંથી દાણા (બીજ) છૂટા પાડીને પ્રોસેસ કરીને સિંદૂર પાવડર મેળવવામાં આવે છે. સિંદૂર પાવડર બજારમાં પ્રતિ 100 ગ્રામ 240 રૂપિયા સુધી વેચાય છે. જોકે સિંદૂરીયા વિશે લોકોમાં જાગૃકતા ઓછી હોવાથી, તેનું રોપાણ અને પ્રોસેસિંગ યુનિટ પણ ઓછા છે. પરંતુ સિંદૂરીયો વધારાની આવક માટે એક ઉત્તમ માધ્યમ બની શકે છે
નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી વિભાગ દ્વારા સિંદૂરીયા ઉપર સંશોધન પણ કરવામાં આવ્યા હતા. ખાસ કરીને સિંદૂરીયાનું વૃક્ષ બીજ કરતા તેના લાકડાના ટુકડામાંથી વહેલું ઉગે છે અને ઉત્પાદન પણ વહેલું આપવા માંડે છે. જ્યારે સિંદૂરીયો આપણા બગીચાની શોભા પણ વધારી શકે છે. કારણ નાનું ઝાડ, સરસ પાન અને પર્પલ રંગના અનોખા ફળમાં કેસરી એટલે સિંદૂર રંગના બીજ આકર્ષણ જમાવે છે.