અમદાવાદ : અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા નજીક ડીવાઈડર સાથે BRTSની EV બસ અથડાતા આગ ફાટી નીકળી હતી. બસમાં સવાર મુસાફરોમાં દેકારો બોલી ગયો હતો. જો કે, તમામ મુસાફરો BRTS બસમાંથી સલામત રીતે બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં આસ્ટોડિયા દરવાજા પાસે ઇસ્કોનથી ઓઢવ તરફ જઈ રહેલી આ ઇલેક્ટ્રિક BRTS બસના ડ્રાઇવરે બસ કાબુ ગુમાવ્યો હતો. BRTS બસ ડિવાઇડર પર ધડાકાભેર અથડાઈ હતી. અથડામણ બાદ તરત જ BRTS બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા.આ દ્રશ્યો જોઈને મુસાફરો અને આસપાસના લોકોમાં ભારે ભય ફેલાતા નાસભાગ મચી ગઈ હતી. જોકે, BRTSબસ ધડાકાભેર અથડાતા કેટલાક મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાની આશંકા છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. આગના કારણે આસ્ટોડિયા ચાર રસ્તા પાસે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હાલમાં આગ પર કાબુ મેળવી લેવાયો છે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.હાલ ઘટનાસ્થળે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે વિગતવાર તપાસ ચાલી રહી છે.