અમદાવાદ :અમદાવાદમાં ‘AMC દ્વારા SG હાઈવે પર ઈસ્કોન ચાર રસ્તાથી પકવાન જંક્શન સુધીનાં રસ્તાની બંન્ને બાજુનાં સર્વિસ રોડને સિટી એન્ટ્રી તરીકે આઈકોનિક ડિઝાઈન સાથે ડેવલપ કરવા આયોજન કરાયું છે અને આ સર્વિસ રોડને રૂપિયા 6 કરોડથી વધુના ખર્ચે સિટી એન્ટ્રી તરીકે આઈકોનિક ડિઝાઈન સાથે ડેવલપ કરવામાં આવશે. SG હાઇવેને વધુ આકર્ષક બનાવવા હાઇવે અને સર્વિસ રોડ વચ્ચેની ગ્રીન સ્ટ્રીપને ખરા અર્થમાં ગ્રીન સ્ટ્રીપ તરીકે ડેવલપ કરવામાં આવશે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, SG હાઈવેને ટ્રાફિકની સમસ્યાથી મુક્ત બનાવવા ફ્લાયઓવર બનાવાયા છે અને વધુ ફ્લાયઓવર બની રહ્યાં છે. તેની સાથે સાથે હાઇવેને વધુ આકર્ષક બનાવવા હાઇવે અને સર્વિસ રોડ વચ્ચેની ગ્રીન સ્ટ્રીપને ખરા અર્થમાં ગ્રીન સ્ટ્રીપ તરીકે જ ડેવલપ કરવામાં આવશે. એટલે કે શહેરના હાઈવેથી શહેરમાં પ્રવેશતાં માર્ગો ઉપર સિટી એન્ટ્રીડેવલપ કરવાનો પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. તેનાં ભાગરૂપે ઈસ્કોન જંક્શનથી પકવાન જંક્શન સુધીનાં સર્વિસ રોડને ડેવલપ કરવાનાં પ્રોજેક્ટમાં જુદી-જુદી ડિઝાઈનનાં સ્ટ્રીટ લાઈટ પોલ, ડેકોરેટિવ ફ્ટિીંગ્સથી રોડની સુંદરતામાં વધારો થશે તેમજ ફૂટપાથ અને ગ્રીન પેચ તેમજ આગવી લાઈટથી ગ્રીનરી નીખરી આવશે.
તેમણે વધુમાં જણાવ્યું કે, પકવાન ચાર રસ્તા અને સર્વિસ રોડથી શહેરમાં પ્રવેશનારને લાઈટીંગ અને ગ્રીનરી વગેરેનાં કારણે આઈકોનિક રોડ જેવો અનુભવ થશે. આ સર્વિસ રોડ પર નવા આધુનિક ડિઝાઈન ધરાવતાં સ્ટ્રીટ પોલ તેમજ નવી ડિઝાઈનની ફૂટપાથ અને ગ્રીન પેચમાં ડેકોરેટિવ ફ્ટિીંગ્સ સહિત નવા પોસ્ટ ટોપ પોલ્સ સહિતની કામગીરી માટે ટેન્ડર મંગાવાયા હતા અને AMCના અંદાજ કરતાં 13.13 ટકા ઓછા ભાવ આપનાર કોન્ટ્રાક્ટરના ટેન્ડર સાથેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરાઈ છે.
સર્વિસ રોડનાં ડેવલપમેન્ટ બાદ રાત્રિનાં સમયે હરવા ફરવાનુ સ્થળ બની રહેશે તે નિશ્ચિત છે અને આસપાસનાં કોમર્શિયલ એકમોમાં ફરજ બજાવતાં લોકો દિવસ દરમિયાન ગ્રીનરી ધરાવતાં સર્વિસ રોડ ઉપર તેમનો થાક કંટાળો દૂર કરી શકશે. આ સર્વિસ રોડ ઉપર ગ્રીન પેચમાં લેન્ડસ્કેપીંગ અને બાળકોને રમતગમતનાં સાધનો પણ મુકવામાં આવશે.