અમદાવાદ : અમદાવાદ શહેરમાં મ્યુ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં પ્લે ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યારે શહેરના સાબરમતી અને ચાંદખેડા વોર્ડમાં રુપિયા એક કરોડથી વધુના ખર્ચથી પ્લે ગ્રાઉન્ડ બનાવવા મંજૂરી અપાઈ છે. જેમાં વોકિંગ ટ્રેક સહિતની સુવિધા આપવામાં આવશે. અલગ અલગ 26 સ્થળે હાલમાં રમતગમતના મેદાન બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સાબરમતી વોર્ડમાં રુપિયા 42.78 લાખના ખર્ચથી ટી.પી.સ્કીમ નંબર-21ના ફાઈનલ પ્લોટ નંબર-377 ઉપર પ્લે ગ્રાઉન્ડ બનાવવા કોન્ટ્રાકટર દ્વારકેશ કન્સ્ટ્રકશનને કામ અપાયુ છે.ચાંદખેડા વોર્ડમાં ટી.પી.સ્કીમ નંબર-44ના ફાઈનલ પ્લોટ નંબર-248-249 માં આજ કોન્ટ્રાકટર દ્વારા રુપિયા 55.4 લાખની કિંમતથી કામગીરી આપવામાં આવી છે.ક્રીકેટ, વોલીબોલ સહિતની અન્ય રમત રમી શકાય એ માટેના પ્લે ગ્રાઉન્ડ બનાવવાની કામગીરી અલગ અલગ તબકકામાં શહેરના અન્ય વિસ્તારોમાં ચાલી રહી છે.