અમદાવાદ : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઘોડાસર વિસ્તારમાં એક વેપારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ઘોડાસર વિસ્તારમાં એક વેપારી પોતાના મિત્ર સાથે ઉભો હતો, આ દરમિયાન આઠથી દસ જેટલા લોકો આવ્યા અને લાકડી વડે ઢોરમાર મારવા લાગ્યાં હતા. જેના CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના ધોડાસર પાસે આવેલા પુનિતનગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી તેના મિત્રો સાથે ઉભો હતો. ત્યારે વેપારી પર પૈસાની લેતીદેતી બાબતે બાઈક પર અને દોડીને આવી રહેલા 8થી 10 શખસોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું હતું. વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો. વેપારી નીચે પડી જતા તેને પગમાં અને માથામાં લાકડીઓ વડે મારવામાં આવ્યો હતો. આસપાસના લોકો પણ છોડાવવા પડ્યા છતાં વેપારીને માર માર્યો હતો.જેથી ઘટનાને ગંભીરતાથી લેતા વટવા GIDC પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કમલેશ સામત નામના વેપારીને માર મારવામાં આવ્યો હતો અને ગંભીર રીતે ઘાયલ કરવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વટવા GIDC પોલીસે આ ઘટના અંગે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ કરી રહી છે. નોંધનીય છે કે પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં, અસામાજિક તત્વો પોલીસને પડકાર ફેંકી રહ્યા છે.