દ્વારકા : ગુજરાતના પવિત્ર યાત્રાધામ અને મોક્ષપૂરી દ્વારકામાં આવેલા સુપ્રસિદ્ધ શ્રી દ્વારકાધીશ મંદિરમાં આવતીકાલે 11 જૂન, 2025ના રોજ જેઠ સુદ પૂનમના દિવસે “જ્યેષ્ઠાભિષેક/જલયાત્રા” ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. આ નિમિત્તે શ્રીજીના દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની જાણકારી દ્વારકાધીશ મંદિરના વહીવટદાર કચેરી દ્વારા સર્વે શ્રદ્ધાળુઓને આપવામાં આવી છે.
જન્મ કુંડળીમાં દોષના નિવારણ માટે કરાવવામાં આવતું સ્નાન મનાય છે. ઠાકોરજીને 125 ઘડાનું સ્નાન કરાવવામાં આવે છે. જેમાં ગુલાબજળ, ચંદન, કેસર અને કેટલીક ઔષધીઓ પણ ઉમેરવામાં આવે છે. સ્નાન કરવા માટે આગલા દિવસે ઠાકોરજીને સફેદ ધોતી ધારણ કરાવવામાં આવે છે. વર્ષમાં એકવાર ઠાકોરજીને વસ્ત્ર સાથે સ્નાન કરાવવામાં આવે છે. લોકવાયકા મુજબ બાળકનો જન્મ આશ્લેષા કે જેષ્ઠા નક્ષત્રમાં જન્મ થાય તો તેની આ પ્રકારે વિધિ કરવી પડે છે. આમ ડાકોરમાં તા. 11મીને બુધવારે જેષ્ઠા નક્ષત્રની વિધિ મુજબ ઠાકોરજીને મંગળા આરતી પછી એક કલાક સુધી સ્નાન કરાવવામાં આવશે.
વહીવટદાર કચેરી દ્વારા જાહેર કરાયેલી વિજ્ઞપ્તિ અનુસાર, જ્યેષ્ઠાભિષેક ઉત્સવના કારણે 11 જૂન, 2025ના રોજ દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે:
સવારે 06:00 વાગ્યે: મંગળા આરતી
સવારે 06:00 થી 08:00 વાગ્યે: મંગળા દર્શન
સવારે 08:00 થી 09:00 વાગ્યે: શ્રીજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન (આ દર્શનનું વિશેષ મહત્વ છે કારણ કે વર્ષમાં માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લા પડદે સ્નાન દર્શન થાય છે, અને તે પૈકી જ્યેષ્ઠાભિષેક(જલયાત્રા)નું મહત્વ અનેરું છે.)
સવારના અન્ય ક્રમ: નિત્ય ક્રમ મુજબ જ રહેશે.
બપોરે 01:00 થી 05:00 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)
સાંજે 05:00 વાગ્યે: ઉત્થાપન દર્શન
સાંજે 05:00 વાગ્યાથી 09:30 વાગ્યે: જલયાત્રા ઉત્સવ અને અન્ય નિત્ય ક્રમ મુજબ રહેશે.
રાત્રે 09:30 વાગ્યે: અનોસર (દર્શન બંધ રહેશે)
આ શુભ દિવસે જગતમંદિરમાં ભગવાન શ્રીજીને ખુલ્લા પડદે અભિષેક કરાવવામાં આવે છે, જેનો લાભ લેવા માટે દેશભરમાંથી અનેક વૈષ્ણવો દ્વારકા પધારતા હોય છે. મંદિર વહીવટદાર કચેરીએ સર્વે ભક્તોને આ બદલાયેલા સમય અનુસાર દર્શનનો લાભ લેવા વિનંતી છે.