અમદાવાદ : અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. નિર્ણયનગર વિસ્તારમાં એક 25 વર્ષના યુવકે પોતાના જ પિતાને મોતને ઘાટ ઉતારી નાખ્યો હતો. પરિવારના સભ્યોની હાજરીમાં જ યુવકે ઉપરાછાપરી ચપ્પુના ઘા મારતા પિતાનું ઘરમાં જ મોત થયું. આ મામલે પોલીસે ગુનો દાખલ કરી આરોપી પુત્રની ધરપકડ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 27 મી જુનના રોજ એક તરફ ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમતી ઉજવવામાં આવી હતી ત્યારે તે જ દિવસે વહેલી સવારે 5:00 વાગે નિર્ણયનગર વિસ્તારમાં આવેલ રામપ્રતાપ નગર સોસાયટીમાં દિલીપ દુર્ગારામ મેઘવાલ નામના યુવકે તેના જ પિતાની હત્યા કરી નાખતા તેની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી દિલીપે ઘરમાં પોતાની પાસે સુઈ રહેલા તેના પિતા દુર્ગારામ મેઘવાલને ચપ્પુથી 9 જેટલા ઘા માર્યા હતા. જેના કારણે બુમાબુમ થતા આરોપીની બે બહેનો લતાબેન અને તરુણાબેન તેમજ નાનો ભાઈ નિખિલ અને તેની માતા જમકુબેન દુર્ગા રામને બચાવવા વચ્ચે પડ્યા હતા.
તે સમયે દિલીપે તેની બહેન લતાના વાળ ખેંચી તેને માર માર્યો હતો અને તરુણાબેનને ચપ્પુથી માથામાં હુમલો કરતા ચપ્પુ તેના માથામાં ઘૂસી જતા ફસાઈ ગયું હતું. જે બાદ નિખિલ મેઘવાલે તેને પકડી બાલ્કની પાસે ઉભો રાખ્યો હતો અને 108ને જાણ કરવામાં આવી હતી. 108ની ટીમ ત્યાં પહોંચતા જ જોતા દુર્ગારામ મેઘવાલનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટનાની જાણ પોલીસને થતા વાડજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. વાડજ પોલીસે પિતાના હત્યારા દિલીપની ધરપકડ કરી છે. દિલીપ વિરુદ્ધ પિતાની હત્યાનો ગુનો નોંધી કેસની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.