અમદાવાદ : રાજ્યના શિક્ષણ વિભાગે શાળાઓમાં બેગ લેસ ડેના નિર્ણય બાદ ટ્રાફિક વિભાગે દર શનિવારે નવતર પ્રયોગની શરૂઆત કરી છે. હવે અમદાવાદ ટ્રાફિક વિભાગ દર શનિવારે શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને ટ્રાફિક નિયમનના પાઠ ભણાવવાનો નવો વિચાર અમલમાં મૂક્યો છે. એટલે હવે એક નવી સોચના અભિયાન હેઠળ ટ્રાફિકના અધિકારીઓ દ્વારા સુરક્ષા, સલામતી, સાવધાની અને સતર્કતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અત્યંત મહત્વપુર્ણ એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે.અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલ નિશાન સ્કુલમાં જેસીપી એન.એન.ચૌધરીના વરદ હસ્તે એક નઈ સોચ કાર્યક્રમનો શુભારંભ કરાયો છે.જેમાં અમદાવાદની વિવિધ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દર શનિવારે ટ્રાફિક પોલીસ દ્વારા વિધ્યાર્થીઓને ટ્રાફિક અવરનેશ,ટ્રાફિકના નિયમનોનું પાલન,સતર્કતા,સુરક્ષા,સલામતી અને સાવધાનીના પાઠ ભણાવવામાં આવશે.જેનાથી બાળકોમાં શિસ્તબધ્ધતા કેળવાય, તો માર્ગ અકસ્માત તથા ગુનાખોરીના આંકમાં ઘટાડો થઈ શકે. આ પ્રસંગે અમદાવાદ ટ્રાફિક વિભાગના JCP એન એન ચૌધરી, ટ્રાફિક DCP નીતા દેસાઈ સહિત અધિકારીઓએ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ટ્રાફિકના નિયમોના પાઠ શીખવ્યા. વિદ્યાર્થીઓને હું હંમેશા ટ્રાફિક રૂલનું પાલન કરીશ તેવી પ્રતિજ્ઞા લેવડાવી.
ટ્રાફિક પોલીસ કોઈ વાહનચાલક ટ્રાફિકના નિયમોનો ભંગ કરે તો તે વાહનચાલકો સામે દંડની કાર્યવાહીના પાઠ ભણાવતી હોય છે. પરંતુ હવે ટ્રાફિકના નિયમોના પાલન માટે ટ્રાફિક વિભાગે પોતાની સોચ બદલી છે અને એક નવી સોચ અભિયાન શરૂ કર્યું છે. હાલમાં જ રાજ્યના શિક્ષણ વિભાગે પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 1થી 8માં દર શનિવારે બેગ લેસ ડે રાખવા પરિપત્ર કર્યો છે, જેનો અમલ પણ અનેક શાળાઓએ કર્યો છે.
શાળાઓમાં શનિવારે બાળકોએ બેગ લઈને નહીં આવવા અને શાળાઓમાં યોગ, સૂર્યનમસ્કાર અને બાળકોને તણાવ મુક્ત રાખવાના કાર્યક્રમો યોજવાના આદેશ કર્યા છે ત્યારે દર શનિવારે બેગ લેસ ડેના નિર્ણયના શાળાઓમાં અમલની સાથે અમદાવાદ ટ્રાફિક પોલીસ વિભાગે આ નિર્ણયને આવકાર્યો છે અને સાથે એક નવા અભિયાનની શરૂઆત કરી છે.
ઉલ્લેખનીય છે કે ટ્રાફિક વિભાગ દ્વારા વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવું કેમ જરૂરી છે, રોંગ સાઇડમાં વાહનો ચલાવવાથી અકસ્માત થઈ શકે છે અને પાર્કિંગની જગ્યામાં જ વાહન પાર્ક કરવા તે વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. મહત્વનું છે કે નવી સોચ અભિયાન દ્વારા ટ્રાફિક વિભાગ અમદાવાદીઓની ટ્રાફિકના નિયમો તોડવાની માનસિકતા કેવી રીતે બદલી શકે છે તે જોવું રહ્યું.