અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે અમદાવાદમાં વિદ્યાપીઠની ગલીમાંથી દારૂ ભરેલી ક્રેટા ગાડી મળી આવી હતી. ગાડીમાંથી દારૂનું કટિંગ થતું હતું ત્યારે જ પોલીસે દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ચાલક બુટલેગર દારૂ ભરેલી ગાડી સિટીમાં એન્ટર થાય કે એટલે નંબર પ્લેટ બદલી દેતા હતા. જ્યારે ચાંદખેડા પોલીસ મથકની હદમાંથી નર નારાયણ પાર્ટી પ્લોટની ગલીમાંથી જ્યુપીટરની ડીકીમાંથી દારૂ મળી આવ્યો હતો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરના સીધા તાબા હેઠળ આવતા PCB પોલીસ ઇન્સ્પેક્ટર જે.પી. જાડેજાને માહિતી મળી હતી કે, ઉસ્માનપુરા ગુજરાત વિદ્યાપીઠ સ્વિમિંગપુલની લગીમાં એક ક્રેટા કારમાં દારૂની બોટલો લાવવામાં આવી છે અને તેનું કટિંગ કરવામાં આવી રહ્યું છે. જેને પગલે પોલીસે દરોડા પાડીને ક્રેટા કારમાંથી 219 દારૂની બોટલ તથા ક્રેટા કાર જપ્ત કરી હતી. જોકે, ગાડીની જે નંબર પ્લેટ હતી તે ઉપરાંત ગાડીમાંથી બીજી નંબર પ્લેટ મળી આવી હતી. એટલે કે જો પોલીસ પીછો કરતી હોય તો દારૂ ભરેલી ગાડી શહેરમાં એન્ટર થાય એટલે નંબર પ્લેટ બદલી લઈ પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવતી હતી.
તો બીજી તરફ PCBની ટીમે ચાંદખેડા મોટેરા રોડ પરના નર નારાયણ પાર્ટી પ્લોટની ગલીમાંથી એક બિનવારસી જ્યુપીટર કબજે લીધું હતું. જેમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. જે કબજે લઈને પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.