અમદાવાદ : તાજેતરમાં વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાના વિવિધ વિભાગના જૂના બ્રિજ ના સર્વે કરવા અને તાત્કાલિક રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હતી. જેમાં વિવિધ વિભાગો પૈકી મહાનગર પાલિકા વિસ્તારમાં આવતા બ્રિજની સ્થિતિના રિપોર્ટ કરવામાં આવ્યા હતા. અલગ અલગ મહાનગર પાલિકા વિસ્તારમાં આવેલા નદી પરના બ્રિજના રિપોર્ટ આવી રહ્યા છે.જે હેઠળ અનેક બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળ્યા. આવો જ એક બ્રિજ અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ છે. જેનું હવે ફરીથી રીપેરીંગ હાથ ધરવામાં આવશે તેવી ચર્ચા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, વડોદરા જિલ્લામાં ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વિશાલા ખાતેના શાસ્ત્રી બ્રિજનું R & B ઇન્સપેક્શન કરવામાં આવ્યું હતું. જેમાં બ્રિજની સ્થિતિ ખરાબ હોવાનું સામે આવ્યું છે. હવે આ બ્રિજને ફરી બંધ કરવામાં આવશે અને રીપેરીંગ કરવામાં આવશે તેવી ચર્ચા છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ રીપેરીંગ માટે આશરે 15 મહિના સુધી આ બ્રિજ બંધ રહ્યો હતો અને લગભગ 6 મહિના પહેલાં જ તેને ફરી સ્થાનિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ત્યારે પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરાયો હતો જોકે હજુ તેની હાલત જર્જરિત દેખાઈ રહી હોવાથી તેનું સમારકામ કરવામાં આવશે તેવી ચર્ચા છે.
જોકે, અહીં એ સવાલ થાય છે કે, 15 મહિના સુધી જે રીપેરીંગ ચાલ્યું હતું તેમાં શું કામ કરાયું હતું? 15 મહિના સુધી શહેરીજનોએ હાલાકી ભોગવ્યા બાદ પણ પરિસ્થિતિ જેમની તેમ રહી છે, ત્યારે રીપેરીંગની કામગીરીને લઈને પણ ભ્રષ્ટાચાર કે કટકી થઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતો શાસ્ત્રી બ્રિજ ફરી સમારકામ માટે બંધ થશે અને પાછો કેટલો સમય લેશે તે જોવાનું રહ્યું. જોકે, બ્રિજ બંધ થતા હવે ફરીથી સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડશે અને ફરીથી સમારકામ થયેલો બ્રિજ લોકોને સારી અવસ્થામાં મળે છે કે, તે પૈસાનો પણ ધુમાડો થશે તે એક સળગતો સવાલ હાલ લોકોના મનમાં ઊભો થઈ રહ્યો છે.