અમદાવાદ : આખરે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત કરવામાં આવી છે. લાંબા સમયથી ગુજરાત કોંગ્રેસના પ્રમુખ માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી રહી હતી, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાને કમાન સોંપવામાં આવી છે. જ્યારે તુષાર ચૌધરીને વિધાનસભામાં કોંગ્રેસ નેતા બનાવાયા છે.તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે, તેઓ 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ તરીકે શક્તિસિંહ ગોહિલના રાજીનામા બાદ ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ કોણ હશે તેને લઇ ચર્ચાઓ ચાલી રહી હતી. દિલ્હી ખાતે અલગ અલગ જૂથના નેતાઓ લોબિંગ કરી રહ્યા હતા. જેમાં કેટલાક પૂર્વ પ્રમુખ સહિત નવા યુવા ચહેરાઓ પણ પ્રમુખ પદ માટે દાવપેચ રમી રહ્યા હતા.ગુજરાત કોંગ્રેસના નવા પ્રમુખ તરીકે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે. તથા તુષાર ચૌધરીને વિપક્ષના નેતા બનાવાયા છે.
અમિત ચાવડા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીના મામાના દીકરા છે. તેઓ બીજી વખત પ્રદેશ પ્રમુખ બન્યા છે, તેઓ 2018થી 2021 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે ગેનીબેન ઠાકોર અને લાલજી દેસાઈ પણ પ્રદેશ પ્રમુખની રેસમાં હતા.
ઉલ્લેખનીય છે કે 10 જુલાઈએ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. આ બેઠકમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ આજે(17 જુલાઈ) અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ તરીકે જાહેરાત કરવામાં આવી છે.