અમદાવાદ : અમદાવાદના વસ્ત્રાપુરમાંથી દારુની મહેફિલ ઝડપાઇ છે, વસ્ત્રાપુરમાં આવેલ NIR રેસીડેન્સીમાં ચાલી રહી હતી દારુની મહેફિલ અને પોલીસને બાતમી મળી હતી તો તે બાતમીના આધારે વસ્ત્રાપુર પોલીસે 3 યુવતી સહિત 2 છોકરાની ધરપકડ કરી છે, પોલીસે કલ્પિત ઠક્કર, વિષ્ણુ સાઈ ચેતન, રોશની ગોયંકા, પ્રીતિ અગ્રવાલ, લક્ષ્મી કોયાની ધરપકડ કરી 1 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના પોશ વિસ્તાર વસ્ત્રાપુરમાંથી દારૂની મહેફિલ ઝડપાઈ છે, જેમાં પોલીસ કંટ્રોલ રૂમને રાત્રે 11:30 વાગ્યે એક મેસેજ મળ્યો હતો કે, વસ્ત્રાપુરના NRI ટાવરના A વિંગમાં કેટલાક છોકરા-છોકરીઓ ડ્રિન્ક કરીને ડાન્સ કરી રહ્યા છે. આ માહિતીના આધારે પોલીસે ટાવરના ત્રીજા માળે જઈ તપાસ કરી તો ફલેટ નંબર 304માં દારૂની મહેફિલ ચાલતી હતી તો પોલીસે ઘરમાંથી દારૂની બોટલ અને બાઈટીંગ જપ્ત કર્યુ હતુ, અને પોલીસ સ્ટેશન લઈ જઈ પ્રોહિબિશન એકટ મુજબ ગુનો નોંધ્યો હતો, પોલીસે તમામના મેડિકલ રીપોર્ટ પણ કઢાવ્યા છે.
ઝડપાયેલા 5 લોકોની પોલીસે પૂછપરછ કરી તેમાં સામે આવ્યું કે એક યુવતીએ આ મકાન ભાડે રાખ્યું હતુ અને તેના મિત્રોને દારૂની પાર્ટી માટે બોલાવ્યા હતા અને પોલીસે મકાન માલિકનો પણ સંપર્ક કર્યો છે, પોલીસે આરોપીઓ પાસેથી રૂ.1.43 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ આરોપીઓની ધરપકડ કરીને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા અને વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.