અમદાવાદ: અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. વિવિધ કારણોસર લોકો જિંદગી ટૂંકાવી રહ્યા છે. ત્યારે અમદાવાદના સાઉથ બોપલના મેરીગોલ્ડ ફ્લેટના 14માં માળેથી કૂદીને એક વ્યક્તિએ જીવન ટૂંકાવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના સાઉથ બોપલના મેરીગોલ્ડ ફ્લેટના 14માં માળેથી કૂદીને અમિતકુમાર નામના યુવકે જીવન ટૂંકાવ્યું છે.આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. તેઓ પ્રાઇવેટ ટ્યુશન ક્લાસ ચલાવતા હતા અને તેના પર જ પરિવારનું ગુજરાન ચાલતું હતું. તેમણે આત્મહત્યા કરી એ સમયે તેમની પત્ની સવારે એક્સરસાઈઝ માટે બહાર ગઈ હતી. તેની ગેરહાજરીમાં અમિતકુમારએ આ પગલું ભર્યું હોવાની માહિતી સામે આવી છે. અમિતકુમારના આ પગલાથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
ઉલ્લેખનીય છે કે મેરીગોલ્ડ ફ્લેટમાં ડી 1403માં ભાડેથી રહેતા અમિતકુમાર આત્મહત્યા કરી હતી. આ ઘટના CCTVમાં કેદ થઈ છે. જેમાં જોઈ શકાય છે કે મૃતક પહેલા ફ્લોર પર આંટાફેરા મારી રહ્યો છે અને ત્યારબાદ અચાનક તે કૂદે છે. પ્રાથમિક અનુમાન પ્રમાણે આર્થિક સંકડામણને કારણે તેણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.
અમિતકુમારના આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ નથી થયું. હાલ બોપલ પોલીસે ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી છે અને યુવકે કયા કારણોસર આમ જીવન ટૂંકાવી દીધું, તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે. પરિવારજનો અને નજીકના લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે.