અમદાવાદ : પોલીસ કર્મચારીઓ પણ હવે વ્યાજખોરોના ચુંગલમાં ફસાયા હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતી એક મહિલા કોન્સ્ટેબલે પોતાના ભાઇને પાર્લર કરાવી આપવા માટે પડોશી પાસેથી 1.98 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજ પર લીધા હતા. કોન્સ્ટેબલે 1.98 લાખની સામે 2.63 લાખ ચૂકવી દીધા બાદ પણ વ્યાજખોરે ઉઘરાણી ચાલુ રાખતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોચ્યો છે.અને આ બાબતે સાબરમતી પોલીસે સાહિલ પટેલ નામના આરોપી વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલા સરદાર પટેલ પાસે રહેતા સંગીતા બારીયાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં સાહીલ પટેલ (રહે, તિરૂપતિ સોસાયટી, ન્યુ રાણીપ) વિરૂદ્ધ વ્યાજખોરીની ફરિયાદ કરી છે. હાલ તેઓ અમદાવાદ પોલીસ હેડ ક્વાર્ટર્સ ખાતે વર્ષ 2016થી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્ષ 2023માં ફરિયાદીના ભાઈ શ્યામને પાન પાર્લર ચાલુ કરવા માટે કેટલાક રૂપિયાની જરૂર હતી. જેથી તેમણે તેમની જ સોસાયટીમાં રહેતા સાહિલ પટેલ નામના યુવકને વાત કરી હતી. સાહિલએ ફરિયાદીને રૂપિયા આપવા માટેની તૈયારી બતાવી હતી. અને અલગ અલગ સમયે ફરિયાદીના ખાતામાં કુલ રૂપિયા 1.98 લાખ ટ્રાન્સફર કર્યા હતા.
ફરિયાદીએ આપેલા રૂપિયા બે મહિનામાં પરત આપી દેવાની બાંયધરી આપી હતી. આ સમયે સાહિલએ ફરિયાદી પાસેથી બે કોરા ચેક પણ મેળવી લીધા હતા. અને જો પૈસા પરત ના આપે તો દર મહિને 5 ટકા વ્યાજ આપવા માટેની પણ વાત કરી હતી. ફરિયાદીએ સાહિલને કુલ 2.63 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં આરોપી સાહિલે પઠાણી ઉઘરાણી ચાલુ રાખી હતી. અને ચેક બેંકમાં ભરીને રિટર્ન કરાવ્યો હતો. આખરે કંટાળીને મહિલા કોન્સ્ટેબલએ સમગ્ર મામલાની જાણ પોલીસને કરતાં પોલીસે સાહિલ પટેલ વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.