અમદાવાદ : કુમળીવયના બાળકો સ્કૂલે જવાને બદલે મજબૂરીવશ કે પછી અન્ય કારણોસર ટ્રાફિક સિગ્નલો તેમજ જાહેર માર્ગો પર રખડતા જોવા મળતા હોય છે. જેને લઈને શહેરમાં પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાંથી 39 બાળકોને બચાવવામાં આવ્યા હતા. આ અભિયાન સિટી ક્રાઈમ બ્રાન્ચના સુપરવિઝન હેઠળ મહિલા સેલ, એન્ટી-હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ અને વિવિધ ઝોનના પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત રીતે ચલાવવામાં આવ્યું હતું.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, બાળ કલ્યાણ એજન્સીના સહયોગથી પુનર્વસન માટેના વધુ પગલાં લેવામાં આવી રહ્યા છે.અમદાવાદ પોલીસે રોડ-રસ્તા, લોકમેળા, મંદિરો અને અન્ય જાહેર સ્થળોએ ભિક્ષા માંગતા અથવા કામ કરતા બાળકોને ઓળખ્યા હતા.આ સ્પેશિયલ ડ્રાઇવ ઇસ્કોન, પકવાન, શાહીબાગ, સી.જી. રોડ અને એસ.જી. હાઇવેના વિસ્તારોમાં ચલાવવામાં આવી હતી. પોલીસ તપાસ દરમિયાન બાળકોને માતા પિતા જ ભિક્ષાવૃતિ કરાવતા હોવાનું સામે આવ્યું છે.આ કામગીરીનો મુખ્ય હેતુ બાળકોને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રાખવા અને તેમને સલામત વાતાવરણ પૂરૂં પાડી શકાય તેવો પ્રયાસ કરવાનો હતો. આ ડ્રાઈવ અંતર્ગત બાળમજૂરી કરાવનારા અને ભિક્ષા મંગાવનારા લોકો સામે કાયદેસર કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, આ સ્પેશિયલ ડ્રાઈવનો ઉદ્દેશ્ય ગુમ થયેલા અને સંવેદનશીલ બાળકોને શોધી કાઢવાનો, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો અને તેમના પુનર્વસનનો હતો. અમે અમદાવાદમાં દરેક બાળકના અધિકારોનું રક્ષણ કરવા પ્રતિબદ્ધ છીએ.રેસ્ક્યુ કરાયેલા બાળકોને તાત્કાલિક મેડિકલ ચેકઅપ માટે લઈ જવાયા બાદ તેમની સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. તપાસ પૂર્ણ થયા પછી બાળકોને તેમના વાલીઓના ભરોસે સોંપવામાં આવશે અથવા યોગ્ય તબક્કે જુવેનાઈલ જસ્ટિસ બોર્ડના માર્ગદર્શન હેઠળ પુનર્વસાવવામાં આવશે.
પોલીસ દ્વારા આ પ્રકારની કામગીરી ભવિષ્યમાં પણ યથાવત રહેશે તેવું જણાવાયું છે જેથી કરીને બાળકોનું શોષણ અટકાવી શકાય અને તેમને યોગ્ય જીવન જીવી શકે તેવા સાધનો પ્રાપ્ત થાય.