અમદાવાદ : કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે બુલેટ ટ્રેન અંગે સારા સમાચાર આપ્યા છે. તેમણે રવિવારે કહ્યું હતું કે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન સેવા ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે અને મુંબઈથી અમદાવાદ પહોંચવામાં ફક્ત બે કલાક અને સાત મિનિટનો સમય લાગશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ભાવનગર ટર્મિનસ ખાતેથી આયોધ્યા એક્સપ્રેસ, રીવા-પુણે એક્સપ્રેસ અને જબલપુર-રાયપુર એક્સપ્રેસને વર્ચ્યુઅલી લીલી ઝંડી બતાવી હતી. આ કાર્યક્રમમાં તેઓએ જણાવ્યું હતું કે, “મુંબઈથી અમદાવાદ સુધીની પ્રથમ બુલેટ ટ્રેન ખૂબ જ ટૂંક સમયમાં શરૂ થશે, અને પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. જ્યારે તે દોડવાનું શરૂ કરશે, ત્યારે મુંબઈથી અમદાવાદ સુધીની યાત્રામાં માત્ર બે કલાક અને સાત મિનિટનો સમય લાગશે.”
મુંબઈ અને અમદાવાદ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 508 કિલોમીટર લાંબી હશે. તે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તારથી શરૂ થશે, અને ગુજરાતના વાપી, સુરત, આણંદ, વડોદરા અને અમદાવાદને જોડશે, જે 320 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે.
બુધવારે અગાઉ તેમણે કહ્યું હતું કે વાપી અને સાબરમતી વચ્ચેના બુલેટ ટ્રેન કોરિડોરના ગુજરાત ભાગનું કામ ડિસેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાની યોજના છે અને મહારાષ્ટ્રથી સાબરમતી સેક્શન સુધીનો સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. તેમણે બુધવારે લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
વૈષ્ણવે જણાવ્યું હતું કે મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ (MAHSR) પ્રોજેક્ટ (508 કિમી) જાપાનની ટેકનિકલ અને નાણાકીય સહાયથી નિર્માણાધીન છે. તેમણે કહ્યું હતું કે આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા અને નગર હવેલીમાંથી પસાર થશે અને તે મુંબઈ, થાણે, વિરાર, બોઇસર, વાપી, બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતીમાં 12 સ્ટેશનો પર રોકવાની યોજના છે.